ડમ્પર ચાલકે ઊંઘતા શ્રમજીવીઓ પર ડમ્પર ચઢાવી દેતા બંને કચડાઇ ગયા
માટી ભરેલું ડમ્પર બંને શ્રમજીવીઓ પર ખાલી કરીને ડમ્પર ચાલક ભાગી ગયો
વડોદરા,કપુરાઇ ગામની સીમમાં નવી બંધાતી સાઇટ પર મજૂરી કામ કરતા બે શ્રમજીવીઓ રાતે સૂઇ ગયા હતા. ત્યારે માટી ખાલી કરવા આવેલા ડમ્પર ટાયર ફરી વળતા ઊંઘમાં જ તેઓના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. બનાવ અંગે વરણામા પોલીસે ગુનો દાખલ કરી ડમ્પર ચાલકોની શોધખોળ હાથ ધરી છે.
મૂળ એમ.પી.ના અને હાલમાં કપુરાઇ ગામની સીમમાં શિવાંશ બંગ્લોઝ નામની સાઇટ પર રહેતો કમલભાઇ સુરતાનભાઇ ભાભોર તથા તેનો નાનો ભાઇ નારૃભાઇ સુરતાનભાઇ ભાભોર તથા તેમના ગામના કૈલાસ બારજીભાઇ મેડા, રાહુલ બારજીભાઇ મેડા, પિન્કુ બારજીભાઇ મેડા, સુરા બારજીભાઇ મેડા તથા અલ્કેશ બાબુભાઇ કટારા ( રહે. નવાપાડા તા. થાંદલા, જિ.જાંબુવા, એમ.પી.) કુટુંબ પરિવાર સાથે કડિયા કામ તથા કડિયા કામને લગતી મજૂરી કરીએ છીએ. તેઓ આખો દિવસ મજૂરી કરીને ત્યાં સાઇટ પર જ બનાવેલા ઝૂંપડામાં જમવાનું બનાવી રાતે સૂઇ જાય છે. સાઇટ પર બંધાતા રોડ પર માટી નાંખવા માટે રાતે માટી ભરેલા ડમ્પરો આવતા હોય છે. ડમ્પરના ચાલકો રોડ પર માટીના ઢગલા કરી જતા રહેતા હોય છે.
ગઇકાલે રાતે નારુ તથા અલ્કેશ પણ બાંધકામ સાઇટના મેટલ તથા માટી પાથરેલા કાચા બનાવેલા રોડ પર રસ્તામાં ખુલ્લામાં સૂઇ ગયા હતા. ગઇકાલે રાતે પણ આ રીતે જ ડમ્પર ખાલી કરવા માટે સાઇટ પર આવ્યા હતા. ડમ્પરના ચાલકે સૂઇ રહેલા બંને શ્રમજીવીઓ પર ડમ્પર ચઢાવી દેતા તેઓ કચડાઇ ગયા હતા. ત્યારબાદ તેઓની ઉપર જ માટી ખાલી કરી દઇ ભાગી ગયા હતા. જે અંગે વરણામા પોલીસે ગુનો દાખલ કરી ડમ્પર ચાલકોની શોધખોળ હાથ ધરી છે.
શ્રમજીવીઓએ પાવડાથી માટીના ઢગલા હટાવતા બંને દટાઇ ગયેલા મળ્યા
વડોદરા,આજે સવારે છ વાગ્યે સાઇટ પરના શ્રમજીવીઓ જાગ્યા હતા. તેઓને નારૃ તથા અલ્કેશ દેખાયા નહતા. તેઓને શંકા થઇ હતી કે, બંને માટીના ઢગલા નીચે દબાઇ ગયા હશે. જેથી, શ્રમજીવીઓએ ભેગા થઇને પાવડા વડે માટીના ઢગલા હટાવવાનું શરૃ કર્યુ હતું. માટી હટાવતા જ શ્રમજીવીઓ માટીના ઢગલા નીચે દબાઇ ગયેલા મળી આવ્યા હતા. બંનેના મોત થયા હતા.
ડમ્પરના પંૈડા ફરી વળતા શ્રમજીવીનું માથું જ ફાટી ગયું
વડોદરા,ડમ્પર ચાલકે રાતે સૂતા શ્રમજીવીઓ પર ગાડી ચઢાવી દીધી હતી. નારૃને માથાના ભાગે, પેટ પર, છાતી પર ગંભીર ઇજા થઇ હતી. તેનું માથું દબાઇ ગયું હતું. તેમજ આંતરડા પણ બહાર નીકળી ગયા હતા. જ્યારે અલ્કેશનું માથું જ ફાટી ગયું હતું. તેમજ તેના જમણા હાથ અને પગે ઇજા પહોંચી હતી.