દીપડાના બચ્ચાનો સોદો કરવાના કૌભાંડના બંને આરોપી પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું,જેલમાં ધકેલાયા

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
દીપડાના બચ્ચાનો સોદો કરવાના કૌભાંડના બંને આરોપી પાસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું,જેલમાં ધકેલાયા 1 - image

વડોદરાઃ વડોદરા જિલ્લાના શિનોરની સામે કિનારે આવેલા ઝઘડીયાના પાણેથા ગામેથી દીપડાના બચ્ચાનો સોદો કરવાના ચક્કરમાં બચ્ચા સાથે પકડાયેલા બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.

પાણેથા ગામે શેરડીના ખેતરમાંથી મળી આવેલા દીપડાના બચ્ચાંનો સોદો કરવા માટે કેટલાક લોકો પ્રયાસ કરી રહ્યા હોવાની વિગતોને પગલે કેન્દ્રના વાઇલ્ડ લાઇફ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો અને વડોદરાની પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા દ્વારા સંયુક્ત ઓપરેશન કરવામાં આવ્યું હતું.

સ્થાનિક ફોરેસ્ટ ઓફિસરોની મદદ લઇ રેકી કર્યા બાદ ટીમે દીપડાના બચ્ચા સાથે પાણેથાના ગૌતમ સૂર્યકાન્ત પાદરીયા તેમજ હરેશ ઉર્ફે જલો અરવિંદ પાટણવાડીયાને ઝડપી પાડી બંનેને રિમાન્ડ પર લીધા હતા.રિમાન્ડ દરમિયાન ફોરેસ્ટ વિભાગના અધિકારીએ બંને આરોપી કેવી રીતે બચ્ચાને લાવ્યા અને ક્યાં રાખી તેનો ઉછેર કરતા હતા તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

રિમાન્ડ પુરા થતાં બંને આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે.ફોરેસ્ટ વિભાગના આરએફઓ મીનાબેન પરમારના નેજા હેઠળ તપાસ કરવામાં આવી રહી છે.

ફરાર ઇરફાન પકડાય તો કૌભાંડની વધુ  વિગતો બહાર આવશે

દીપડાના બચ્ચા સાથે પકડાયેલા પાણેથાના બે આરોપી સાથે વડોદરાના ઇરફાન નામના એક શખ્સની વાતચીત થતી હતી.બંને વચ્ચે રિંછના બચ્ચાનો વીડિયો પણ ફોરેસ્ટ વિભાગને મળ્યો છે.જેથી તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.ફોરેસ્ટ વિભાગે ઇરફાનને ત્યાં સર્ચ કર્યું હતું.પરંતુ તેનો પત્તો લાગ્યો નહતો.જેથી તે પકડાય ત્યારબાદ આ પ્રકરણમાં વધુ વિગતો ખૂલે તેવી શક્યતા છે.

સોશ્યલ મીડિયાના જુદાજુદા શહેરોના ગ્રુપની તપાસ 

પાણેથા ગામેથી દીપડાના બચ્ચા સાથે પકડાયેલા ગૌતમ અને હરિશની પૂછપરછની સાથે સાથે મોબાઇલમાંથી વોટ્સએપ ગુ્રપની પણ વિગતો મેળવવામાં આવી છે.ફોરેસ્ટ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ ગુ્રપમાં કોલકત્તા તેમજ અન્ય શહેરોના લોકો સામેલ છે.જેથી ગુ્રપમાં મુકાયેલી પોસ્ટ તેમજ અન્ય વિગતોની તપાસ કરવામાં આવી રહી છે.


Google NewsGoogle News