૧.૦૩ કરોડ પડાવી લેનાર બંને આરોપીઓ ઘર છોડીને ફરાર
આરોપીઓને પકડવા પીસીબીની ટીમે અલગ - અલગ સ્થળે દરોડા પાડયા
વડોદરા, સીઝ થયેલ ફોર વ્હીલર વાહનો અપાવવાનું કહીને બે ઠગ દ્વારા સર્વિસ સ્ટેશન ચલાવનાર પાસેથી ૧૯ વાહનો પેટે એક કરોડ ઉપરાંતની રકમ પડાવી લેવામાં આવી હતી.જે ગુનામાં સામેલ આરોપીઓ ઘર છોડીને ફરાર થઇ ગયા છે.
અલકાપુરી બી.પી.સી. રોડ લક્ષ્મી કોલોનીમાં રહેતા અને નાગરવાડામાં ગેરેજ ચલાવતા મનિષકુમાર મિસ્ત્રીએ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, વર્ષ - ૨૦૧૯માં ગાડી લે - વેચનું કામ કરતા જાવેદ ઉર્ફે કાળુ બાબુભાઇ શેખ ( રહે. રોયલ અકબર, સનફાર્મા કંપની પાછળ, તાંદલજા) નો સંપર્ક થયો હતો. તેણે સિદ્દીક અબ્દુલહમીદ મલેક ( રહે. સૂબેદાર ચેમ્બર્સ, અકોટા પોલીસ લાઈનની સામે, અકોટા) નો પરિચય કરાવ્યો હતો. તેઓએ મને કહ્યું હતું કે, સિદ્દીકનો બેન્કમાં સારો સંપર્ક છે. જે ગાડીઓના હપ્તા ના ભરાયા હોય તેવા સીઝ થયેલા વાહનો બેન્ક કર્મચારી સાથે સંપર્ક કરી ખરીદ કરે છે.તેઓએ કુલ ૧૯ વાહનો અપાવવા માટેનું જણાવી કુલ ૧.૦૩ કરોડ લઇ લીધા હતા. આ ગુનાની તપાસ દરમિયાન પીસીબી પોલીસે આરોપીઓને પકડવા માટે તેમના ઘર તથા સંભવિત આશ્રય સ્થાનો પર તપાસ કરી હતી. પરંતુ, બંને આરોપીઓ ભાગી ગયા છે.