ઓનલાઇન ઠગાઇના દુબઇના નેટવર્કમાં સંડોવાયેલો બોરસદનો યુવક જેલભેગો
વડોદરાઃ ઓનલાઇન ઠગાઇના દુબઇથી ઓપરેટ થતા નેટવર્કમાં સંડોવાયેલા મૂળ બોરસદના યુવકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.
ઘેર બેઠા કમાવાની લોભામણી સ્કીમોમાં લોકોને ફસાવી શરૃઆતમાં પેમેન્ટ ચૂકવ્યા બાદ ડિપોઝિટ ભરાવી લાખો રૃપિયાની છેતરપિંડી કરતા ઓનલાઇન ઠગોએ વડોદરાની મહિલા પાસે રૃ.૧.૬૯ લાખ પડાવતાં તેની તપાસ દરમિયાન દુબઇથી ઓપરેટ થતા નેટવર્કનો ભેદ ખૂલ્યો છે.
આ નેટવર્કમાં દુબઇમાં રહેતો મૂળ બોરસદનો યુવક મહંમદ જુનેદ એહમદમીયા મલેક ભારતીય મિત્રો પાસે બેન્ક એકાઉન્ટ ખોલાવી સિમકાર્ડની વ્યવસ્થા કરી આપતો હોવાની વિગતો ખૂલતાં તેની સામે લુક આઉટ નોટિસ કાઢવામાં આવી હતી.જેથી અમદાવાદ એરપોર્ટ પર આવતાં જ તે પકડાઇ ગયો હતો.
વડોદરા સાયબર સેલના પીઆઇ બીરેન પટેલે આરોપીની તપાસ કરતાં ચાઇનીઝ એજન્ટને બેન્ક એકાઉન્ટની સવલત કરી આપી હોવાની માહિતી ખૂલી હતી.જેથી ચાઇનીઝ એજન્ટની વિગતો પોલીસ એકત્રિત કરી રહી છે અને પુરતી વિગતો મળ્યા બાદ તેની સામે રેડકોર્નર નોટિસની કાર્યવાહી કરવામાં આવનાર છે.