જન્મ-મરણના દાખલાની નકલો અર્બન હેલ્થ સેન્ટરોથી મળશે
લોકોને હવે દૂરથી માંજલપુર ઓફિસ સુધી લાંબા ધક્કા ખાવામાંથી છૂટકારો
બુધવાર તા.30 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય શાખા હસ્તકની જન્મ મરણ શાખાની કેટલીક સેવાઓનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. આ વિકેન્દ્રીકરણના ભાગરૃપે ૨૧ ઓક્ટોબરથી જન્મ મરણના દાખલા આપવાની સુવિધામાં લોકોને રાહત મળે તે રીતે ફેરફાર કરવામાં આવ્યો છે. વડોદરા શહેરમાં નાગરિકોને પોતાના વિસ્તારમાં નજીકમાં આવેલા અર્બન પ્રાઈમરી હેલ્થ સેન્ટર ખાતે નોંધવામાં આવેલ જન્મ મરણના સર્ટીફીકેટોની પ્રમાણિત નકલો મળી રહેશે.
કોર્પોરેશનની વેબસાઈટ પર ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ નજીકના હેલ્થ સેન્ટર પરથી આ નકલો મળશે. તારીખ ૨૨ મે ૨૦૧૫ થી ચાલુ વર્ષ સુધીની નકલો ત્યાંથી મળી રહેશે. જન્મ મરણ શાખાની અન્ય કામગીરી જેમ કે ૨૨ મે ૨૦૨૦ થી અગાઉના બાળકના જન્મ પ્રમાણપત્ર વગેરે માટે મુખ્ય કચેરી સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, માંજલપુર ખાતે સંપર્ક કરવાનો રહેશે. આ મુદ્દે વોર્ડ નંબર ૧૩ ના કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરે જણાવ્યું હતું કે, વડોદરાની મધ્યમાંથી જન્મ મરણ શાખા માંજલપુર લઈ જવામાં આવતા શહેરના બીજા વિસ્તારોમાંથી જન્મ મરણના પ્રમાણપત્રોની નકલો લેવા માટે કિલોમીટરો દૂર છેક માંજલપુર આવવું પડતું હતું, અને ઘણી વખત લોકોને ધક્કા પડતા હતા. આ મુદ્દે કોર્પોરેશનમાં પત્રો લખીને રજૂઆત પણ કરવામાં આવી હતી.
છેવટે કોર્પોરેશનના તંત્રે આ અંગે હકારાત્મક નિર્ણય લીધો તે સારું થયું છે.