પેથાપુરના ખેતરમાં બોરકુવાને તસ્કરોએ નિશાન બનાવ્યો : કેબલની ચોરી કરી
ગ્રામ્ય વિસ્તારમાં ફરી કેબલચોર ટોળકીનો તરખાટ
રાત્રિના સમયે કેબલની ચોરી કરીને ટોળકી ફરાર પેથાપુર પોલીસે ગુનો દાખલ કરી તપાસ આદરી
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અગાઉ પણ કેબલ વાયર
ચોરી જતી ટોળકીનો તરખાટ વધી ગયો હતો પરંતુ છેલ્લા થોડા સમયથી કેબલ ચોરીની ઘટનાઓ
અટકી જતા ખેડૂતોએ હાથકારો અનુભવ્યો હતો. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં ફરીથી કેબલ ચોર
ટોળકીને તરખાટ શરૃ થયો હોય તેમ લાગી રહ્યું છે. ગાંધીનગર શહેર નજીક આવેલા
પેથાપુરમાં ખેતરમાં બનાવવામાં આવેલા બોરકુવા ઉપરથી કેબલની ચોરીની ઘટના પ્રકાશમાં
આવી છે જે સંદર્ભે પેથાપુરના રાજશ્રીનગર ખાતે રહેતા સુર્યવદનસિંહ દશરથસિંહ વાઘેલાએ
ફરિયાદ નોંધાવી હતી કે, ગત
શનિવારના રોજ સવારના ૭ વાગે બોર ઉપર મજુરી કામ કરતા વ્યક્તિએ ફોન કરીને માહિતી આપી
હતી કે, ગઈકાલે
ખેતરનુ કામ કરીને ઘરે જતો રહ્યો હતો. જ્યારે બીજા દિવસે ખેતરમાં આવતા બોરથી ઓરડી
સુધીનો કેબલ કપાયેલો જોવા મળી રહ્યો છે. જેથી ખેડૂત ખેતરમાં પહોંચ્યા હતા અને તપાસ
કરતા બોરથી ઓરડી સુધીનો ૧૦૦ ફૂટ લાંબો કેબલ કિંમત ૫૦ હજારનો કપાયેલો જોવા મળતા
અજાણ્યા તસ્કરો સામે કેબલ ચોરીની ફરિયાદ પેથાપુર પોલીસ મથકમાં નોંધાવી હતી જેના
આધારે પોલીસે ગુનો દાખલ કરીને આ ટોળકીને પકડવા માટે દોડધામ શરૃ કરી છે બીજી બાજુ
ગ્રામ્ય વિસ્તારમાં ફરીથી શરૃ થયેલી આ પ્રકારની ચોરીને પગલે હવે પોલીસ દ્વારા
પેટ્રોલિંગ વધારવાની જરૃરિયાત લાગી રહી છે.