જામીન પર છૂટીને જતા રહેલા બૂટલેગરને ઇન્દોરથી પકડી લાવી પાસા હેઠળ અટકાયત
વાહન ચોરી અને લૂંટના ગુનામાં પકડાયેલા બે આરોપીની પણ પાસામાં અટકાયત કરી રાજકોટ અને પાલનપુર જેલમાં મોકલી અપાયા
વડોદરા,સાત લાખના વિદેશી દારૃના કેસમાં જામીન પર છૂટીને જતા રહેલા બૂટલેગરને પીસીબી પોલીસે ઇન્દોરથી ઝડપી પાડી પાસા હેઠળ અટકાયત કરી ભૂજ જેલમાં મોકલી આપ્યો છે. જ્યારે વાહન ચોરી અને રિક્ષામાં મુસાફરોને ટાર્ગેટ બનાવી લૂંટી લેવાના ગુનાના આરોપીની પણ પાસા હેઠળ અટકાયત કરવામાં આવી છે.
ગત તા. ૨૪ મી એ પીસીબી પોલીસ દ્વારા ઘાઘરેટિયામાં દારૃનો ધંધો કરતા બૂટલેગર વિપુલ પંચાલની ત્યાં રેડ કરવામાં આવી હતી. પોલીસે ૭.૦૪ લાખનો દારૃ કબજે કરી બે આરોપીઓને ઝડપી પાડયા હતા. તપાસ પૂરી થયા પછી બંને આરોપીઓને જેલમાં મોકલી આપ્યા હતા. આ બંને આરોપીઓ સામે પાસાની કાર્યવાહી કરવાની હોવાથી જેલ સત્તાવાળાને જાણ કરવામાં આવી કે, જ્યારે બંને આરોપીઓ જેલમાંથી છૂટે ત્યારે પોલીસને જાણ કરવી. ચૂંટણીના આગલા દિવસે એટલે કે, તા. છઠ્ઠીએ બંને આરોપીઓ જેલમાંથી છૂટે છે. તેની જાણ મકરપુરા પોલીસને કરવામાં આવી હતી. પરંતુ, મકરપુરા પોલીસ ત્યાં પહોંચી જ નહીં અને આરોપીઓ જતા રહ્યા. ચૂંટણી બંદોબસ્તની વ્યસ્તતાના કારણે પોલીસ ત્યાં પહોંચી શકી નથી. તેવો બચાવ કરવામાં આવી રહ્યો છે.
જ્યારે આ કેસમાં વિપુલ પંચાલની ધરપકડ પોલીસે કરી હતી. જે પણ છૂટીને જતો રહ્યો હતો. છેવટે પીસીબી પોલીસે વિપુલ પંચાલને ઇન્દોરથી શોધી કાઢ્યો હતો. તેની પાસા હેઠળ અટકાયત કરી ભૂજ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, વિપુલ પંચાલની સામે મકરપુરા, પાણીગેટ, વરણામા અને વાડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના કુલ ૨૫ ગુનાઓ નોંધાયા છે.
જ્યારે અન્ય કિસ્સામાં રિક્ષામાં બેસતા મુસાફરોને લૂંટી લેવાના ગુનામાં સંડોવાયેલા આરોપી જાવીદખાન યુસુફખાન પઠાણ ( રહે. એકતા નગર, આજવારોડ) ની પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
વાહન ચોરીના ગુનામાં સામેલ આરોપી પ્રકાશ વિજયભાઇ રાજપૂત ( રહે. વારસિયા વીમા દવાખાના પાસે) ની પાસા હેઠળ અટકાયત કરી પાલનપુર જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. તેની સામે અલગ - અલગ પોલીસ સ્ટેશનમાં કુલ ૨૦ ગુનાઓ નોંધાયા છે.