બૂટલેગર પરેશ ઉર્ફે ચકો વડોદરામાં ૧૫૮ પેટી દારૃના કેસમાં વોન્ટેડ
પાંચ વખત પાસામાં જઇ આવ્યો છે : રાયોટિંગ, મારામારીના પણ ગુનાઓ અગાઉ નોંધાયા છે
વડોદરા,ગુજરાત પોલીસ જાસૂસીકાંડમાં એક વર્ષ ઉપરાંતથી ફરાર વડોદરાના બૂટલેગર પરેશ ઉર્ફે ચકો વડોદરાના દારૃની ૧૫૮ પેટીના કેસમાં પણ વોન્ટેડ છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે તેને દમણના બારમાંથી ઝડપી લીધા પછી ભરૃચ પોલીસને સોંપ્યો હતો. ત્યાંથી જવાહર નગર પોલીસ તેનો કબજો મેળવશે.
શહેર નજીકના સેવાસી ગામ તરફ જતી કેનાલ નજીક વિદેશી દારૃનું મોટેપાયે કટિંગ કરવામાં આવી રહ્યું હોવાની વિગતોને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલે બે મહિના પહેલા દરોડો પાડયો હતો. પોલીસે સ્થળ પરથી (૧) હિમાંશુ ઉર્ફે ભોલો દિલીપ અગ્રવાલ (દારૃ મંગાવનાર)(૨) કાલુ ઉર્ફે કાલુ ટોપી સંદરદાસ(દારૃની હેરોફેરીનો મુખ્ય આરોપી) (૩) શૈલેષ અંબાલાલ મહિડા(પીક અપ વાનનો ડ્રાઇવર) અને (૪) મુકેશ બ્રિજલાલ ઉદાસી(દારૃની ગાડી ખાલી કરનાર)ને ઝડપી પાડયા હતા. આ કેસની તપાસ જવાહનર નગર પોલીસને સોંપવામાં આવી હતી. આ કેસમાં પરેશ ઉર્ફે ચકો પણ વોન્ટેડ છે. હાલમાં ભરૃચ પોલીસની કસ્ટડીમાં હોઇ ત્યાંની તપાસ પૂરી થયા પછી જવાહર નગર પોલીસ ટ્રાન્સફર વોરંટથી તેની ધરપકડ કરશે. પરેશ ઉર્ફે ચકા સામે ૨૭ ગુનાઓ નોંધાયા છે. તેની સામે પહેલો કેસ વર્ષ - ૨૦૦૮ માં કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો નોંધાયો હતો. ત્યારબાદ તેની ગુનાઇત પ્રવૃત્તિ ચાલતી રહી હતી. તેની પાસા હેઠળ પાંચ વખત અટકાયત કરવામાં આવી હતી. તેની સામે પ્રોહિબિશન ઉપરાંત લૂંટ, રાયોટિંગ, મારામારીના ગુનાઓ પણ નોંધાયા છે. વડોદરા ઉપરાંત તેની સામે વાઘોડિયા, કરજણ અને પાદરામાં પણ ગુનાઓ નોંધાયા છે.