મહુન્દ્રા પાસે ડાલામાંથી દારૃ બિયરનો જથ્થો પકડાયો બુટલેગર ફરાર
ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર
પોલીસે પીછો કરતા ડાલુ મૂકીને ચાલક નાસી છૂટયો ૪.૮ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર પોલીસે બાતમીના આધારે દારૃ ભરેલા ડાલાને ઉભા રહેવા ઈશારો કર્યો હતો પરંતુ તેના ચાલકે ભગાડી દઈને આગળ રસ્તામાં મૂકીને નાસી છૂટયો હતો. પોલીસે આ ડાલામાંથી દારૃ અને બિયરનો જથ્થો મળી કુલ ૪.૮ લાખ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર બુટલેગરની શોધખોળ શરૃ કરી હતી.
રાજ્યમાં દારૃબંધી હોવા છતાં પર પ્રાંતમાંથી મોટા પ્રમાણમાં
વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે અને તેમાં પણ ચિલોડા
હિંમતનગર હાઇવેનો દારૃની હેરાફેરી માટે ખૂબ જ ઉપયોગ થઈ રહ્યો છે. આંતરે દિવસે અહીં
પોલીસ દ્વારા વિદેશી દારૃ ભરીને જતા વાહનો ઝડપી લેવામાં આવે છે તો ઘણા કિસ્સામાં
બુટલેગરો દ્વારા મુસાફરના સ્વાંગમાં વિદેશી દારૃની હેરાફેરી કરાવવામાં આવતી હોય છે
ત્યારે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, હિંમતનગર તરફથી
આવી રહેલા એક ડાલામાં વિદેશી દારૃનો જથ્થો ભરેલો છે અને અમદાવાદ તરફ જઈ રહ્યો છે.
જે બાતમીના પગલે પોલીસ દ્વારા મહુન્દ્રા ગામના પાટીયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી
અને ડાલુ આવતા તેને ઉભો રહેવા માટે ઈશારો કરવામાં આવ્યો હતો પરંતુ તેના ચાલાકે
દારૃ ઊભું રાખ્યું ન હતું અને દોડાવી દીધું હતું. જેથી પોલીસે તેનો પીછો શરૃ કર્યો
હતો. દરમિયાનમાં રસ્તામાં જ ડાલુ મૂકીને ચાલક નાસી છૂટયો હતો ત્યારબાદ પોલીસે
તેમાં તપાસ કરતા દારૃ અને બિયરને ૯૨૩ જેટલી બોટલ મળી આવી હતી. જેથી પોલીસે ૪.૮ લાખ
રૃપિયાનો મુદ્દામાલ કબજે કરીને ફરાર થઈ ગયેલા બુટલેગરને શોધવા માટે મથામણ શરૃ કરી
હતી.