જંગલમાં પોલીસ પર બૂટલેગરોના પથ્થરમારો ઃ PSI સહિત બેને ઇજા

મધ્યપ્રદેશના બૂટલેગરો બાઇક પર દારૃ લઇને જંગલ માર્ગે આવતા હતાં ઃ પોલીસ પર હુમલા બાદ પાંચ બાઇક મૂકીને ભાગી ગયા

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
જંગલમાં પોલીસ પર બૂટલેગરોના પથ્થરમારો ઃ PSI સહિત બેને ઇજા 1 - image

દાહોદ, દેવગઢ બારિયા તા.૮ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગઢવેલ ગામે મધ્યપ્રદેશમાંથી જંગલના રસ્તે વિદેશી દારૃનો જથ્થો બાઈક ઉપર આવતો હોવાની બાતમી ધાનપુર પોલીસને મળતા પોલીસ વોચમાં હતી તે વખતે બૂટલેગરો વિદેશી દારૃ લઈને આવતા પોલીસ અને બૂટલેગર વચ્ચે ધમાસાણ સર્જાયુ હતું. જંગલ વિસ્તારમાં પોલીસ ઉપર બૂટલેગરોએ પથ્થરમારો કરતા પીએસઆઇ સહિત એક કોન્સ્ટેબલને ઇજા થઇ હતી. પોલીસે પાંચ બાઇક કબજે કરી મધ્ય પ્રદેશના બૂટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગઢવેલ ગામે  મધ્યપ્રદેશના ગોળ આંબા તરફથી જંગલના રસ્તે બાઈક ઉપર મોટી માત્રામાં વિદેશી દારૃ આવવાનો હોવાની બાતમી ધાનપુર પોલીસને મળતા ધાનપુર પોલીસ મથકના  પોલીસ સ્ટાફ વીરસીંગભાઇ,  સતિષભાઈ, પ્રકાશભાઈ દારૃની વોચમાં હતા ત્યારે બૂટલેગરો વોચમાં બેસેલી પોલીસને જોઈ જતા તેઓ બાઈક લઈ પરત જંગલ તરફ ભાગતા પોલીસે  તેઓનો પીછો કર્યો હતો.

બૂટલેગરોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા કોન્સ્ટેબલ વીરસીંગભાઇને સારવાર માટે ખસેડાયા હતાં. જ્યારે બનાવની જાણ પીએસઆઇ એસ.જે. રાઠોડને થતાં તેઓ ઘટનાસ્થળે દોડી જતા તેમને પણ ખભાના ભાગે પથ્થર વાગતા ઈજા થઇ હતી. બૂટલેગરો અને પોલીસ વચ્ચે જંગલ વિસ્તારમાં ઘર્ષણ થયું હોવાની જાણ થતાં જ દાહોદ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વધારાના સ્ટાફ સાથે સ્થળ પર દોડી આવતાં બૂટલેગરો પોતાની બાઇક સ્થળ પર મૂકીને જંગલના રસ્તે ફરાર થઇ ગયા  હતાં.

પોલીસે પાંચ જેટલી બાઈક કબજે લઈ ગોળ આંબા ગામના બુટલેગરને ઓળખી લીધા હતા જેમાં બાબુ જીગરીયા, ઈશ્વર જીગરીયા, લક્ષ્મણ પારસગ, રાહુલ ધુળસિંહ, રવિ ધુળસિંહ જાતે કીરાડ વિરૃદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.




Google NewsGoogle News