મેનેજમેન્ટ અને સંસ્કૃત મહાવિદ્યાલયની લાઈબ્રેરીઓમાં હજારો પુસ્તકોને નુકસાન
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીને પૂરના પાણીના કારણે કરોડો રુપિયાનું નુકસાન થયું છે અને તેમાં પણ મેનેજમેન્ટ ફેકલ્ટી તેમજ સંસ્કૃત મહાવિદ્યાલયમાં હજારો પુસ્તકો પાણીમાં પલળીને બરબાદ થઈ ગયા છે.
સંસ્કૃત મહાવિદ્યાલયની લાઈબ્રેરીમાં મુકાયેલા ૨૦૦૦ થી વધારે પુસ્તકો પાણીમાં ગયા છે.જેમાં વેદ, કર્મકાંડ સાથે સંકળાયેલા કેટલાક પુસ્તકો તો ૫૦ વર્ષ કરતા પણ જૂના અને અપ્રાપ્ય કહી શકાય તેવા છે.આ જ રીતે મેનેજમેન્ટમાં પણ ૨૦૦૦ કરતા વધારે પુસ્તકોને પૂરના પાણીના કારણે નુકસાન થયું છે.
ફેકલ્ટીઓની સાફ સફાઈ આજે સતત બીજા દિવસે પણ ચાલુ રહી હતી અને તેમાં નુકસાનની વધારેને વધારે વિગતો સામે આવી રહી છે.જોકે યુનિવર્સિટીની સૌથી મોટી હંસા મહેતા લાઈબ્રેરીમાં સદભાગ્યે પુસ્તકોને નુકસાન થયું નથી.
હંસા મહેતા લાઈબ્રેરી પ્રમાણમાં ઉંચાણવાળા વિસ્તારમાં હોવાના કારણે તેમાં રહેલા પુસ્તકો બચી ગયા છે.લાઈબ્રેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર પણ પાણી નહોતું.
જોકે કેમ્પસમાં સેંકડો વૃક્ષો ધરાશાયી થયા છે અને તેને હટાવવાની કામગીરી પણ બાકી છે.પૂરના કારણે સુંદર કેમ્પસ અત્યારે બિહામણું લાગી રહ્યું છે અને તેને પૂર્વવત સ્થિતિમાં લાવતા મહિનાઓ લાગી જશે.