નશાની હાલતમાં બોંમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર સુરત હાઇવે પર ઝડપાયો

ઉત્તર પ્રદેશનો મૂળ વતની શ્યામજી યાદવ સુરતમાં મજૂરી કરી ફૂટપાથ પર રહે છે ઃ એક દિવસનો રિમાન્ડ

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
નશાની હાલતમાં બોંમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર સુરત હાઇવે પર ઝડપાયો 1 - image

વડોદરા, તા.27 પાકિસ્તાનથી બોલું છું વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે તેવો મેસેજ વલસાડ પોલીસ કંટ્રોલરૃમને કરી વડોદરા રેલવે સ્ટેશન પર પોલીસ અને આરપીએફને અડધી રાત્રે દોડાવનાર મૂળ ઉત્તર પ્રદેશના પરંતુ હાલ સુરતમાં ફૂટપાથ પર રહેતાં શ્રમજીવી યુવાનને પોલીસે ઝડપી પાડયો  હતો.

વલસાડ રેલવે પોલીસ કંટ્રોલરૃમમાં એક શખ્સે ફોન કરી વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે, હું આઇએસઆઇ એજન્ટ પાકિસ્તાનથી બોલું છું તેવી ગર્ભિત ધમકી ઉચ્ચારતાં વલસાડ રેલવે પોલીસ દ્વારા આ મેસેજ વડોદરા રેલવે પોલીસ કંટ્રોલને અપાયા બાદ મોડી રાત્રે રેલવે પોલીસ તેમજ આરપીએફના અધિકારીઓ અને સ્ટાફના માણસો દ્વારા રેલવે સ્ટેશન પર બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડ સાથે વ્યાપક તપાસ કરી હતી પરંતુ કશું વાંધાજનક મળ્યું ન હતું.

પોલીસને ખોટો ફોન કરી હેરાન કરનાર સામે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થવાની સાથે એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફોન કરનારનું લોકેશન મેળવી સુરત-નવસારી હાઇવે પર વેસમા પાસેથી ફોન કરનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો  હતો. તેની પાસે કીપેડનો સાદો ફોન હતો જે તપાસ કરતાં મોબાઇલના કોલલોગમાં વલસાડ રેલવે પોલીસ કંટ્રોલરૃમનો નંબર જણાયો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં પોતાનું નામ શ્યામજી સુરજબલી યાદવ (રહે.પાંડસરાનાકા પર, ઓવરબ્રિજ નીચે ફૂટપાથ પર, સુરત મૂળ અશાપુર, તા.મણીયાહુ, થાના રામપુર, જિલ્લો જોનપુર, ઉત્તર પ્રદેશ) જાણવા મળ્યું હતું.

તેની પૂછપરછમાં એવી વિગત બહાર આવી હતી કે પરિવારના સભ્યો વતનમાં રહે છે જ્યારે પોતે સુરતમાં મજૂરી કરે છે. રાત્રે નશાની હાલતમાં ફોન કર્યો હોવાની કબૂલાત તેણે કરી હતી જો કે તે કોઇ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે નહી તેમજ અગાઉ કોઇ ગુનામાં તે સંડોવાયો છે કે નહી તે અંગેની વધુ વિગતો જાણવા માટે પોલીસે આજે તેને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો.




Google NewsGoogle News