વડોદરાના મોટા ગરબા ગ્રાઉન્ડ પર બોમ્બ અને ડોગ સ્કવાેડનું ચેકિંગઃઅંતરિયાળ વિસ્તારોમાં ઘોડેશ્વાર ટીમો ફરતી કરી
વડોદરાઃ વડોદરા પોલીસ દ્વારા આજે આખો દિવસ તમામ મોટા ગરબા ગ્રાઉન્ડ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું.જ્યારે,ગરબાના સમય પહેલાં ટ્રાફિક પોલીસ પણ વાહન વ્યવહારના નિયમન કરવામાં કામે લાગી હતી.
આજથી નવરાત્રીનો પ્રારંભ થતાં પહેલાં શહેર પોલીસ દ્વારા તમામ મોટા ગરબા ગ્રાઉન્ડ પર બોમ્બ સ્કવોડ,ડોગ સ્કવોડ અને ક્વિક રિસ્પોન્સ ટીમને સાથે રાખીને ચેકિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા ગરબાના ગ્રાઉન્ડ તેમજ પાર્કિંગના સ્થળે સુરક્ષા વ્યવસ્થા પણ તપાસવામાં આવી હતી.જ્યારે ગરબા ગ્રાઉન્ડ પર ફરજ બજાવતા સિક્યુરિટી જવાનોને પણ જરૃરી સૂચનાઓ આપવામાં આવી હતી.
મહિલા પોલીસ પણ બંદોબસ્તમાં સામેલ થઇ છે.જ્યારે,રોમિયો અને માથાભારે તત્વોની માહિતી તૈયાર રાખી તેમના પર નજર રાખવામાં આવી રહી છે.પોલીસની ઘોડેશ્વાર ટીમોને પણ સોસાયટીના અંતરિયાળ વિસ્તારોમાં ફરતી કરાઇ હતી.
ફાયર એનઓસી માટે ગરબાના આયોજકોની છેલ્લી ઘડીએ દોડધામ,30 ગરબાને NOC આપી
ગરબા ગ્રાઉન્ડ પર ફાયર બ્રિગેડના નિયમોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી હોવાથી છેલ્લી ઘડી સુધી ફાયર એનઓસી માટે આયોજકોએ દોડધામ કરી હતી.
ગરબા ગ્રાઉન્ડ પર ઇમરજન્સી વાહન આવી શકે તે માટે એન્ટ્રી ગેટની સાઇઝ, પાર્કિંગ,વાયરિંગ,સ્ટેજ,હાઇટેન્શન લાઇન, બેઠક વ્યવસ્થા જેવા ૨૪ નિયમોનું પાલન કરી ફાયર એનઓસી લેવા માટે કોર્પોરેશને સૂચના આપી હતી.
ફાયર બ્રિગેડ પાસે આવી ૩૦ ગરબા આયોજકોની અરજી આવી હતી.આજે સાંજે સાડા છ વાગ્યા સુધી ફાયર બ્રિગેડે સ્થળ તપાસ કરી તમામ આયોજકોને એનઓસી આપી હતી.