છીપવાડની મિલકત વેચાણ માટે અશાંતધારાની બોગસ મંજૂરીના કેસમાં ત્રણ ભેજાબાજો ઝડપાયા
મિલકતખરીદનાર ઇલીયાસને મુંબઇ એરપોર્ટ પરથી ઝડપી પડાયો ઃ સમીર નામનો શખ્સ ફરાર
વડોદરા,તા.3 સંવેદનશીલ વિસ્તાર છીપવાડમાં આવેલી મિલકતનો દસ્તાવેજ કરવા માટે અશાંતધારાની પરમિશનનો ખોટો હુકમ તૈયાર કરવાના ચકચારભર્યા પ્રકરણમાં મિલકત ખરીદનાર સહિત કુલ ત્રણ ભેજાબાજોની પોલીસે ધરપકડ કરી છે.
છીપવાડ વિસ્તારમાં આવેલી મિલકતના દસ્તાવેજમાં અશાંતધારાની પરવાનગીનો હુકમ બોગસ હોવાનું નાયબ કલેક્ટર દ્વારા સબ રજિસ્ટ્રારને જણાવવામાં આવ્યું હતું. જે અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હતી. માંજલપુર સન સિટિ ડૂપ્લેક્સની બાજુમાં નક્ષત્ર હેબીટેડમાં રહેતા લતાબેન જયસૂર્યકાંતભાઇ શાહે છીપવાડમાં આવેલી મિલકત ઇલીયાસ યુસુફભાઇ શેખ ( રહે. ખત્રી પોળ, મોટી છીપવાડ)ને વેચાણ કરી હતી અને તેનો દસ્તાવેજ થઇ ગયો હતો.
આ પ્રકરણમાં પોલીસ તપાસ દરમિયાન એવી વિગતો બહાર આવી હતી કે માત્ર ઈલીયાસ જ નહી પરંતુ અન્ય વ્યક્તિઓ પણ સંડોવાયેલી છે. જેથી પોલીસે ઇલીયાસની શોધખોળ હાથ ધરી હતી પરંતુ તે ઝડપાતો ન હતો જેથી તેની વિરુધ્ધ લુકઆઉટ સરક્યૂલર ઇસ્યૂ કરવામાં આવ્યો હતો. આ સાથે જ તે મુંબઇ એરપોર્ટ પર ઇમિગ્રેશન પર પહોંચતાં જ તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. રાવપુરા પોલીસ તેને વડોદરા લઇ આવી હતી અને બાદમાં તેની પૂછપરછ કરતાં અનેક વિગતો બહાર આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે ઈલીયાસને ખબર હતી કે આ વિસ્તારમાં મિલકત ખરીદ્યા બાદ તેના દસ્તાવેજ માટે મંજૂરી મળવાની નથી એટલે તેણે તાંદલજામાં રહેતા જુનેદ યાકુબ પટેલ તેમજ વાસણામાં રહેતા શકીલ અબ્બાસ પટેલને કામ સોંપ્યું હતું. બંને અશાંતધારાની બોગસ પરમિશનનો હુકમ લઇ આવ્યા હતાં. પોલીસે જુનેદ અને શકીલની પણ ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં સમીર નામનો શખ્સ હજી વોન્ટેડ છે.
ઇલીયાસ સાઉદી અરેબીયા ભાગવા જતો હતો
લતાબેન શાહની જૂનીગઢીમાં આવેલી મિલકત ઇલીયાસ શેખે ખરીદી હતી અને આ મિલકતનો દસ્તાવેજ કરવા માટે અશાંતધારાની બોગસ પરવાનગીનો હુકમ સબ રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કર્યો હતો. આ અંગેનો પર્દાફાશ થયા બાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ઇલીયાસ સામે ગુનો નોંધાયો હતો. તે લાંબા સમયથી ફરાર હતો અને સાઉદી અરેબિયાના જેદાહ શહેરમાં આશરો લેવા માટે ભાગતો હતો પરંતુ લુકઆઉટ સરક્યૂલરના આધારે તે ઝડપાઇ ગયો હતો.
જૂનીગઢીના લોકોએ મિલકત વેચાણ મુદ્દે લડત ચલાવી હતી
જૂનીગઢીમાં લતાબેન શાહની માલિકીની આ મિલકત વિધર્મીને વેચી દેવા મુદ્દે સ્થાનિક રહીશોએ લડત ચલાવી હતી. લોકોએ કલેક્ટર કચેરીથી માંડી છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી જેના પગલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. શહેર એસડીએમની તપાસમાં સમગ્ર વિગતો બહાર આવી હતી જેમાં અશાંતધારાની પરમિશન બોગસ હોવાનું જાણવા મળ્યું હતું.