લાછનપુરા માં મહી નદીમાં ડૂબેલા બે મિત્રો પૈકી દિપકનો મૃતદેહ મળ્યો,મહિના પહેલાં જ લગ્ન થયા હતા
વડોદરાઃ વડોદરા નજીક લાછનપુરા ગામે નાહવા જતાં ડૂબેલા વડોદરા શહેરના બે મિત્રો પૈકી એકનો મૃતદેહ મળી આવ્યો છે.જ્યારે બીજાની શોધખોળ જારી રાખવામાં આવી છે.
ન્યુવીઆઇપીરોડ ખાતે સંતોષીનગરમાં રહેતો ધર્મેશ વાઘેલા અને તેનો મિત્ર દિપક કુશ્વાહ ત્રણ દિવસ પહેલાં બાઇક પર લાછનપુરા ગામે થી પસાર થતી મહી નદીમાં નાહવા ગયા હતા.જે દરમિયાન બંને ડૂબી જતાં તેમની શોધખોળ કરવા સ્થાનિક તરવૈયાઓ ઉપરાંત એનડીઆરએફ અને વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
બંને મિત્રો તેમના પરિવારના એકના એક પુત્ર હતા.જે પૈકી દિપક કુશ્વાહના લગ્ન તો એક મહિના પહેલાં જ થયા હતા.આજે ફરીથી બંનેની શોધખોળ કરવામાં આવી તે દરમિયાન એનડીઆરએફને દિપકનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
ધર્મેશને શોધવા માટે આજે પણ વડોદરા ફાયર બ્રિગેડના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ દ્વારા આખો દિવસ શોધ કરવામાં આવી હતી.પરંતુ સાંજ સુધી તેનો પત્તો મળ્યો નહતો.