નવસારીના ગૂમ થયેલા યુવકની લાશ મહીસાગર નદીમાંથી મળી
તેની બાઇક વાસદ મહીસાગર નદીના બ્રિજ પરથી બિનવારસી મળી હતી
વડોદરા,નવસારીના ગૂમ થયેલા યુવકની લાશ શહેર નજીકના અનગઢ ગામ મહીસાગર નદીમાંથી મળી આવી હતી. જે અંગે નંદેસરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નવસારી કડીયાવાડ નવા મહોલ્લામાં રહેતો ૨૨ વર્ષનો નેહલ રમેશભાઇ પટેલ મોબાઇલ કંપનીમાં નોકરી કરતો હતો. ગત તા. ૧૫ મી એ તે ઘરેથી કોઇને કશું કહ્યા વિના નીકળી ગયો હતો. જે અંગે તેના પરિવારે નવસારી પોલીસને જાણ કરી હતી. નવસારી પોલીસની તપાસમાં નેહલનું લોકેશન વડોદરા નજીક વાસદ બ્રિજ નજીક હોવાનું જાણવા મળ્યું હતું. વાસદ આવીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વાસદ પોલીસને તેની બાઇક વાસદ મહિસાગર બ્રિજ પરથી બિનવારસી હાલતમાં મળી હતી. દરમિયાન આજે બપોરે તેની લાશ અનગઢ ગામ મહીસાગર નદીમાંથી મળી આવી હતી. તેણે આપઘાત કર્યો હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.