કરજણ-વેમારડીરોડ પર મળેલી લાશ ઓળખાઇ સુરતમાં કલરના વેપારીએ અનેક લોકો પાસેથી પૈસા લેતા દેવું થયું હતું
વૃધ્ધ વેપારીની હત્યા કરવામાં આવી કે મોતનું અન્ય કોઇ કારણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ
વડોદરા,તા.10 કરજણ વેમારડી રોડ ઉપર નીલગીરીના એક ખેતરમાં ત્રણ દિવસ અગાઉ સળગેલી હાલતમાં મળેલ અજાણ્યા પુરુષની લાશની ઓળખ પોલીસે કરી દીધી છે. મૃતક આશરે ૬૫ વર્ષનો વૃધ્ધ તેમજ સુરત નજીક વેલણજા ગામનો હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ કરજણ વેમારડી રોડ ઉપર આઇનોકસ કંપનીની સામે આવેલ નીલગીરીના એક ખેતરમાં ત્રણ દિવસ અગાઉ વિકૃત હાલતમાં બળીને ભડથું થઈ ગયેલ અજાણ્યા પુરુષની લાશ રહસ્યમય સંજોગોમાં મળી હતી. આ અંગે ખેતરના માલિકની ફરિયાદ લઈ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી મૃતકની ઓળખ માટેના પ્રયત્નો હાથ ધર્યા હતાં.
જિલ્લાની એલસીબી, એસઓજી તેમજ સ્થાનિક પોલીસ દ્વારા અજાણ્યા પુરુષની ઓળખ માટે વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી, ગુમ થયેલ વ્યકિતની માહિતી મંગાવવા સહિતની તમામ થીયરી પર પોલીસતંત્ર કામ કરતું હતું. દરમિયાન સ્થળ પાસેથી મળેલા બળી ગયેલા મોબાઇલની સર્કિટ દ્વારા મોબાઇલ નિષ્ણાંતો પાસેથી વિગતો મેળવી હતી આ સાથે જ મોબાઇલ નેટવર્કનો અભ્યાસ કરતા આખરે મરનારની ઓળખ થઇ હતી.
મરનારનું નામ મનસુખ બારડ (રહે.વેલણજા, તા.કામરેજ, જિલ્લો સુરત) જાણવા મળ્યું હતું. તેમની સુરતમાં કલરની દુકાન છે જે તેમના બે પુત્રો સંભાળે છે. સળગી ગયેલી લાશ તેમજ મળેલી વસ્તુઓના આધારે પરિવારજનો દ્વારા મૃતકની ઓળખ કરવામાં આવી હતી. આજે પરિવારજનોને વૃધ્ધનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં વૃધ્ધે અનેક લોકો પાસેથી ઉધાર રૃપિયા લીધા હોવાથી તેમને દેવું થઇ ગયું હતું. મૃતકની હત્યા કોણે અને ક્યાં કારણોસર કરી અથવા મોતનું અન્ય કારણ છે કે નહી તે દિશામાં પોલીસે તપાસ શરૃ કરી છે.