વડોદરામાં ભયાનક દૃશ્યો સામે આવ્યા, હરણ-નીલગાયના મૃતદેહો દેખાયા, અનેક પાંજરા હજુ પાણીમાં
Vadodara Kamatibaug Zoo : વડોદરામાં વિશ્વામિત્રીના પૂરે ગુજરાતના સૌથી મોટા પૈકીના એક કમાટીબાગ ઝૂમાં ભારે ખાનાખરાબી સર્જી છે. પૂરના પાણી ઉતરી રહ્યાં છે તેમ-તેમ ઝૂમાં મૂંગા પ્રાણીઓની દર્દનાક સ્થિતિના દૃશ્યો સામે આવી રહ્યા છે.
પૂરના પાણીના કારણે ચારથી પાંચ હરણ અને એટલી જ નીલ ગાયના મોત થયા છે. કૉર્પોરેશનના શાસકોએ માણસોની સાથે સાથે ઝૂના અબોલ જીવોને પણ નોંધારા છોડી દીધા હતા. સૂત્રોનું કહેવું છે કે, ઝૂમાં હજી પણ ઘણા વિસ્તારમાં પાણી છે અને તે પાણી ઉતર્યા બાદ કેટલું નુકસાન થયું છે તેની જાણકારી સામે આવશે, પણ હરણો અને નીલગાયોના મોતને જોતાં તો બીજા પ્રાણીઓએ પણ જીવ ગુમાવ્યો હોય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.
ઘણા ખરા પ્રાણીઓ અને પક્ષીઓના પિંજરામાં પાણી ઘૂસી ગયા છે અને તેના કારણે પ્રાણીઓ અને પક્ષીઓ બીમાર પડે તેવું પણ બની શકે છે.
કૉર્પોરેશનના શાસકોએ છેલ્લા ચાર દિવસમાં ઝૂની કોઈ ચિંતા કરી નથી. ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરનો પણ વારંવાર પ્રયત્ન પછી પણ સંપર્ક થઈ શક્યો નહોતો.