સિંધરોટ પાસે મહી નદીમાંથી ૪ યુવકોના મૃતદેહ મળી આવતા ખળભળાટ
મૃતકોની ઓળખ માટે પોલીસ દોડતી થઇ : આગળથી તણાઇને આવ્યા હોવાની શંકા
વડોદરા, સિંધરોટ પાસે મહી નદીમાંથી ચાર યવકોના મૃતદેહ મળી આવ્યા છે. ચારેય યુવકોના મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ હતી. આ મૃતદેહ કોટણા તરફથી સિંધરોટ તણાઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતકોની ઓળખ માટે મહી નદી કિનારાના ગામડાઓમાં તપાસ હાથ ધરી છે.
શહેર નજીકના સિંઘરોટ ગામે એક ખેડૂત આજે ખેતરમાં કામ કરી રહ્યો હતો. તે સમયે તેના પુત્રે આવીને જણાવ્યંું કે, નદીના પાણીમાં એક લાશ તરતી દેખાય છે.જેથી, ખેડૂતે ત્યાં જઇને ચેક કર્યુ તો નજીક નજીકમાં ચાર લાશ તરતી હતી. જેથી, તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા હે.કો. રણજીતસિંહ ઘટના સ્થળે દોડી ગયા હતા. હોડીની પાછળ દોરડું બાંધીને એક પછી એક ચાર લાશ બહાર કાઢવામાં આવી હતી. મૃતદેહ ડિકમ્પોઝ હાલતમાં હોઇ ટ્રેક્ટરમાં મૂકીને સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
ચારેય યુવકો બે થી ત્રણ દિવસ પહેલા ડૂબી ગયા હોવાનું અનુમાન છે. માત્ર પેન્ટ પહેરેલી હાલતમાં મળેલા યુવાનોના ખિસ્સામાંથી તેઓની ઓળખના કોઇ પુરાવા મળ્યા નહતા. જેથી, તેઓની ઓળખ થઇ શકી નથી. પોલીસે મહી નદીના કિનારા વિસ્તારમાં મૃતકોના ફોટા મોકલી તપાસ હાથ ધરી છે. પરંતુ, હજી તેઓની કોઇ માહિતી મળી નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ સ્થળે એક વ્યક્તિનું ડૂબી જવાથી મોત થયું હતું. પરંતુ, આજના કિસ્સામાં ચારેય લાશ આગળથી તરતી આવી હોવાનું જણાઇ આવ્યું છે.