સુરક્ષા નિયમોને બાજુ પર મુકીને હરણી તળાવમાં બોટિંગની શરૃઆત કરાઇ હતી
વડોદરાની જાગૃત નાગરિક સંસ્થાએ દોઢ વર્ષ પહેલા જ ચેતવણી આપી હતી
વડોદરા : વડોદરામાં ગુરૃવારે હરણી તળાવમાં વાઘોડિયારોડની સનરાઇઝ સ્કૂલના બાળકો બોટિંગ માટે આવ્યા હતા અને બોટ ઊંધી વળી જતાં ૧૨ બાળકો અને બે શિક્ષિકાઓ મળી ૧૪ના મોત થયા છે. આ દુર્ઘટનામાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અને બોટિંગ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. મહત્વની વાત એ છે કે દોઢ વર્ષ પહેલા હરણી તળાવમાં બોટિંગ શરૃ કરાયુ ત્યારે જ વડોદરાની જાગૃત નાગરિક સંસ્થાએ કોર્પોરેશનને નોટિસ આપીને સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન પ્રમાણે તળાવમાં સુરક્ષાની જવાબદારી નક્કી કરવા સૂચન આપ્યુ હતું. તેમ છતાં પણ કોર્પોરેશનના ભ્રષ્ટાચારી તંત્રએ આ તરફ ધ્યાન નહી આપતા આજે દુર્ઘટના સર્જાઇ હતી.
કોર્પોરેશને કોન્ટ્રાક્ટમાં તમામ જવાબદારી કોન્ટ્રાક્ટર પર ઢોળી દેવાથી કોર્પોરેશન બચી નહી શકે, કાયદાને બાજુ પર મુકવાની કિંમત નિર્દોષોએ ચુકવવી પડી
જાગૃત નાગરિક સંસ્થાના સ્થાપક પ્રમુખ પુરૃષોત્તમ મુરઝાણીએ આ અંગે વાત કરતા કહ્યું હતું કે વર્ષ ૧૯૯૩માં વડોદરામાં સૂરસાગર તળાવમાં બોટ ઊંધી વળવાની દુર્ઘટના સર્જાઇ હતી જેમાં ૨૧ લોકોના મૃત્યુ થયા હતા. જે બાદ બોટિંગ બંધ કરી દેવાયુ હતું. વર્ષ ૨૦૨૨ કોર્પોરેશને ફરીથી સૂરસાગર અને હરણી સહિતના તળાવોમાં બોટિંગ સુવિધા શરૃ કરવા પ્રક્રિયા શરૃ કરી હતી ત્યારે અમે તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૨ના રોજ કોર્પોરેશનને નોટિસ આપીને કાયદાનું પાલન કરવા માટે કહ્યું હતું.
બોટિંગ સ્થળે લાઇફ જેકેટ, તરવૈયા, રેસ્ક્યૂ બોટ, લાઇફ રિંગ જેવી સુવિધા છે કે નહી તેની નિયમિત ચકાસણી કેમ થઇ નહી ? તળાવને ફરતે સી.સી.ટીવી પણ હોવા જોઇએ
અમારી માગ હતી કે બોટિંગ વખતે અકસ્માત અને મૃત્યુના કિસ્સામાં કોર્પોરેશને તમામ જવાબદારી કોન્ટ્રાક્ટર પર છોડી દીધી છે તે કાયદા વિરૃધ્ધ છે. ટિકિટના પૈસાનો હિસ્સો કોર્પોરેશન પણ મેળવે છે એટલે કોર્પોરેશનના અધિકારીઓ, વિભાગો અને ખુદ મ્યુનિસિપલ કમિશનર અને મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીની જવાબદારી નક્કી થવી જોઇએ. બોટિંગ સ્થળે લાઇફ જેકેટ, નિષ્ણાંત તરવૈયા, રેસ્ક્યૂ બોટ, લાઇફ રિંગ જેવા સાધનો છે કે નહી તેની નિયમિત ચકાસણી થવી જોઇએ. તળાવને ફરતે સી.સી.ટીવી પણ હોવા જોઇએ. પણ તમામ જવાબદારી કોન્ટ્રાક્ટર ઉપર થોપીને કોર્પેરેશન છટકી જવાનો કારસો કર્યો છે. અમારી નોટિસની અવગણના કારણે આજે દુર્ઘટના સર્જાઇ છે. આ મામલે સરકારે તાત્કાલિક કડક અને આકરા પગલા લેવા જોઇએ તેવી અમારી માગ છે.