વડોદરા : સુરસાગર તળાવમાં આજ સાંજથી બોટિંગ સુવિધા શરૂ
- હોડી દુર્ઘટના થયા બાદ વર્ષો પછી સુરસાગર તળાવમાં બોટિંગ શરૂ થઈ રહ્યું છે
વડોદરા,તા.21 ઓક્ટોબર 2022,શુક્રવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઐતિહાસિક સુરસાગર તળાવમાં આજે સાંજથી બોટીંગ સુવિધા શરૂ કરવામાં આવનાર છે. સાંજે 5:30 વાગ્યે આ સુવિધા નો શુભારંભ કરાશે. સુરસાગર તળાવ મા વર્ષો બાદ સહેલાણી ઓ માટે બોટિંગ સુવિધા શરૂ થઈ રહી છે . વર્ષો અગાઉ સુરસાગરમાં હોડી દુર્ઘટના સર્જાયા બાદ બોટીંગ બંધ કરી દેવામાં આવ્યું હતું. હજુ બે દિવસ પહેલા જ મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, સીટી એન્જિનિયર તથા બીજા અધિકારીઓએ સુરસાગર તળાવની મુલાકાત લઇ બોટિંગ શરૂ કરવા સંદર્ભે સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારે જ જાહેરાત કરી હતી કે દિવાળી પહેલા શહેરીજનો માટે બોટીંગ સુવિધા શરૂ કરી દેવામાં આવશે. વર્ષો પૂર્વેની હોડી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે પૂરતી સુરક્ષા સાથે બોટિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવી રહી છે. સહેલાઈણીઓ માટે લાઈફ જેકેટ ફરજિયાત રહેશે. કોન્ટ્રાક્ટર દ્વારા વીમાની જવાબદારી લેવામાં આવી છે, આ ઉપરાંત તરવૈયાઓની ટીમ પણ રાખવામાં આવી છે. બોટિંગનો ટિકિટનો ભાવ વ્યક્તિ દીઠ ૩૦ મિનિટ માટે રૂપિયા 50 તથા 12 વર્ષથી નીચેના બાળકો માટે 25 રૂપિયા રાખવા કોર્પોરેશન દ્વારા ઠરાવવામાં આવ્યું છે.