કોટના ખાતે મહી નદીમાં બોટિંગ અને રેતીખનનની પ્રવૃત્તિ ચાલું
મહી બીચ તરીકે ઓળખાતા સ્થળ પર કોઇપણ મંજૂરી વગર જ ચાલતું બોટિંગ ઃ ગામોમાંથી રેતી ભરેલા ડમ્પરોની અવરજવર
વડોદરા, તા.20 વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા તળાવમાં બોટ પલટી ખાતા શાળાના વિદ્યાર્થીઓ સહિત કુલ ૧૪ વ્યક્તિના કરૃણ મોતની ઘટના બાદ મનોરંજન માટે ચાલતી બોટિંગ પ્રવૃત્તિ બંધ કરાવવાની સૂચના આપવામાં આવી છે જો કે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં કોટના ખાતે મહી બીચ તરીકે ઓળખાતા સ્થળ પર ગેરકાયદે બિન્ધાસ્ત બોટિંગ અને માટી ખનન ચાલી રહ્યું છે. આ સ્થળે ગમે ત્યારે મોટી દુર્ઘટના બને તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે કોટના બીચ તરીકે ફેમસ થયેલી જગ્યા પર મહી નદીમાં કેટલાંક લોકો દ્વારા તંત્રની કોઇપણ મંજૂરી વગર જ બોટિંગ સહિતની પાણીમાં પ્રવૃત્તિ ચાલે છે. હરણી તળાવની કરુણાંતિકા બાદ પણ મહી નદીના કાંઠે બિન્ધાસ્ત બોટિંગ પ્રવૃત્તિ ચાલી રહી છે. થોડા સમય પહેલાં પણ આ સ્થળે ડૂબી જવાની ઘટના બની હતી પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવતા નથી. લોટના ગામ પાસે મહી નદીના કાંઠે ચાલતી આ પ્રવૃત્તિ જો બંધ નહી થાય તો ગમે ત્યારે મોટી દુર્ઘટના થવાની શક્યતા પણ છે.
માત્ર બોટિંગ પ્રવૃત્તિ જ નહી પરંતુ આ સ્થળે મહી નદીમાંથી ગેરકાયદે રેતીખનન પણ થતું હોય છે. આ અંગે અગાઉ ખાણખનિજ વિભાગને ફરિયાદ કરવામાં આવતા તંત્ર દ્વારા દરોડો પાડીને કાર્યવાહી કરવામાં આવતી હતી પરંતુ થોડા સમય બાદ ફરી સ્થિતિ જૈસે થે થઇ જતી હોય છે. મહી નદીમાં હોડી દ્વારા નદીમાંથી રેતી ખેંચીને તેને કિનારે ઠાલવવામાં આવતી હોય છે. મહત્વની બાબત એ છે કે રેતી ભરેલા ડમ્પરો પણ મોટી સંખ્યામાં ગામના નાનકડા માર્ગ પરથી પસાર થતા હોય છે જે કેટલીક વખત સ્થાનિક લોકો માટે જીવના જોખમ તરીકે હોય છે.