હરણી બોટકાંડના સૂત્રધાર વત્સલના મોબાઇલની તળાવમાં શોધખોળ,વત્સલ કહે છે હું ખુલ્લામાં પડી રહેતો હતો
વડોદરાઃ હરણી લેકઝોનની સિગ્નેટરી ઓથોરિટી વત્સલ શાહનો મોબાઇલ શોધવા પોલીસે આજે હરણી તળાવમાં ફાયર બ્રિગેડના જવાનોને ઉતાર્યા હતા.પરંતુ તેમના હાથમાં કાંઇ લાગ્યું નહતું.
હરણી બોટકાંડના મુખ્ય સૂત્રધાર પરેશ શાહનો પુત્ર વત્સલ વહીવટમાં ૧૦ ટકાનો ભાગીદાર હતો અને નાણાંકીય વ્યવહારો તેમજ વહીવટમાં ધર્મિન ભટાણી સાથે તેની પણ સહીઓ માન્ય રાખવામાં આવી હતી.આ બંને મુખ્ય વહીવટકર્તા સૌથી છેલ્લે પકડાયા હતા.
ડીસીપી પન્ના મોમાયા અને ટીમ દ્વારા રિમાન્ડ દરમિયાન પોલીસે વત્સલ શાહનો મોબાઇલ કબજે કરવા માટે પૂછપરછ કરવામાં આવી હતી.તેનો મોબાઇલ હાથ લાગે તો મહત્વની વિગતો હાથ લાગે તેમ છે.પરંતુ વત્સલ શાહ ગોળગોળ જવાબો આપી રહ્યો હતો.
એક તબક્કે તેણે બોટકાંડ બાદ તળાવ પર ગયો ત્યારે મોબાઇલ પડી ગયો હોવાનું કહેતાં પોલીસ પણ તેની વાત સાંભળી ચોંકી હતી.આમ છતાં પોલીસ ફાયર બ્રિગેડને લઇ હરણી તળાવ ખાતે પહોંચી હતી.વત્સલે જે જગ્યા બતાવી ત્યાં મોબાઇલની શોધ કરવામાં આવી હતી.પરંતુ પોલીસને કાંઇ હાથ લાગ્યું નહતું.જેથી હવે પોલીસ મોબાઇલ કંપની પાસેથી તેના ડેટા કઢાવવા તજવીજ કરનાર છે.
વત્સલ પરેશ શાહનું વધુ એક જુઠ્ઠાણું.. ભાગતો હતો ત્યારે ક્યાંય હોટલ કે ગેસ્ટ હાઉસમાં રોકાયો જ નથી
વત્સલ શાહ પોલીસની તપાસમાં સહકાર આપતો નથી અને વાત ગળે ઉતરે નહિં તેવી કેફિયત વર્ણવી રહ્યો હોવાથી પોલીસ તેની કબૂલાતના પુરાવા એકત્રિત કરનાર છે.
પરેશ શાહના પુત્ર વત્સલને રિમાન્ડ દરમિયાન પોલીસે ક્યાં ક્યાં રોકાયો હતો તે મુદ્દે પૂછપરછ કરી હતી.જે દરમિયાન તેણે હોટલો અને ગેસ્ટ હાઉસોમાં પુરાવા માંગતા હોવાથી તે બસ સ્ટેન્ડ તેમજ અન્ય ખુલ્લી જગ્યાએ રોકાયો હોવાનું કહ્યું હતું.
જો કે પોલીસ તેની વાત માનવા તૈયાર નથી.જેથી વત્સલ જ્યાં જ્યાં રોકાયો હતો તે સ્થળે જઇ પુરાવા એકત્રિત કરશે.આ ઉપરાંત તેના અને તેના પરિવારજનોના લોકેશનના આધારે પણ પોલીસ વિગતો એકત્રિત કરશે.
પરેશ શાહના પત્ની અને પુત્રી જેલમાં રવાના
હરણી લેકઝોનના સૂત્રધાર પરેશ શાહના પત્ની નૂતન શાહ અને પુત્રી વૈશાખી શાહને તા.૧૯મી સુધી રિમાન્ડ લેવામાં આવ્યા હતા.આજે સાંજે રિમાન્ડ પુરા થતાં બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.