હરણી બોટ દુર્ઘટના બાદ બંધ કરાયેલી જિલ્લામાં ૧૩૫ બોટોનું ગુજરાત મેરિટાઇમ દ્વારા ઇન્સ્પેક્શન કરાશે
મેરિટાઇમ બોર્ડના રિપોર્ટ બાદ બોટોને શરૃ કરવાનો નિર્ણય લેવામાં આવશે
વડોદરા, તા.25 વડોદરામાં હરણી તળાવમાં ૧૨ માસૂમ વિદ્યાર્થીઓ સહિત ૧૪ના મોતના કરૃણ બનાવ બાદ અચાનક જાગેલા તંત્રે બોટિંગ બંધ કરાવી દીધું હતું હવે આ બોટોનું ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા ઇન્સ્પેક્શન કરાવ્યા બાદ તેને શરૃ કરવાની મંજૂરી અપાશે તેમ જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે હરણી બોટકાંડ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં મનોરંજન હેતુ દ્વારા ચાલતી બોટિંગને બંધ કરાવી દેવાનો હુકમ કરતાં રિસોર્ટ ઉપરાંત વિવિધ સ્થળોએ બોટિંગ બંધ કરાવી દેવાયું હતું. લગભગ ૧૩૫ બોટ હાલ બંધ હાલતમાં છે. આ બોટોને હવે ફરી શરૃ કરવાની માંગણી ઉઠતાં કલેક્ટર દ્વારા આંશિક હકારાત્મક પગલાં લેવાની શરૃઆત કરવામાં આવી છે.
બંધ કરવામાં આવેલી બોટોનું ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા ઇન્સ્પેક્શન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી ૧૦ દિવસમાં ઇન્સ્પેક્શન શરૃ કરાશે અને બાદમાં મેરિટાઇમ બોર્ડના રિપોર્ટના આધારે બોટ શરૃ કરવાની મંજૂરી આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આજીવીકાના હેતુ માટે નદી ઘાટ પર ચલાવવામાં આવતી નૌકાના માલિકોને સીએસઆર ફંડમાંથી પાંચ પાંચ લાઇફ જેકેટ મળે તેવી વ્યવસ્થા માટે પ્રયત્નો ચાલું છે.