આજવા રોડ પર રહેતા વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે લોહીયાળ મારામારી
એક વિદ્યાર્થી લોહીથી લથપથ હાલતમાં ચાકૂ લઇને એપાર્ટમેન્ટની નીચે આવતા વિસ્તારમાં ભયનો માહોલ
વિદ્યાર્થી સાથે વાતચીત કરવા માટે દુભાષિયાની મદદ લેવાઇ
વડોદરા,આજવા રોડ મહાવીર હોલ નજીક આવેલી પરિવાર વિદ્યાલયની સામે આવેલા ગિરીરાજ એવન્યુમાં રહેતા પારૃલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થતા મારામારી થઇ હતી. તિક્ષ્ણ હથિયાર લઇને એક વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં ફ્લેટની નીચે ઉતરીને આવ્યો હતો.જેના પગલે લોકોમાં ભય ફેલાયો હતો. બનાવ અંગે પાણીગેટ પોલીસે સ્થળ પર જઇને વિદ્યાર્થીને પકડી લઇ ગઇ હતી.જ્યારે ફ્લેટમાંથી નીકળીને ભાગી ગયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
પાણીગેટ પોલીસને માહિતી મળી હતી કે, આજવા રોડ મહાવીર હોલ નજીક આવેલી પરિવાર વિદ્યાલયની સામે આવેલા ગિરીરાજ એવન્યુમાં થર્ડ ફ્લોર પર પી.જી. તરીકે પારૃલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ રહે છે. તેમના વચ્ચે લોહિયાળ મારામારી થઇ છે. જેના પગલે પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.એમ.વ્યાસ અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફ્લેટમાં જઇને તપાસ કરતા ત્યાંથી એક ઇજાગ્રસ્ત વિદ્યાર્થી મળી આવ્યો હતો. તેમજ રૃમમાં લોહી પડેલું હતું. રૃમ પરથી ભાગી ગયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીની સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શોધખોળ હાથ ધરી છે. જ્યારે રૃમમાંથી મળેલા ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને પાણીગેટ પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા. જોકે, કઇ બાબતે માથાકૂટ થઇ હતી ? તે હજી જાણી શકાયું નથી. પોલીસ જે વિદ્યાર્થીને પકડીને લઇ ગઇ છે. તેની સાથે વાતચીત કરવા માટે દુભાષિયાની મદદ લીધી છે. બનાવના પગલે ડીસીપી લીના પાટિલ સહિતના અન્ય અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. પોલીસ દ્વારા ઘરમાંથી નીકળી ગયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીની શોધખોળ શરૃ કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થી ઇન્ડોનેશીયા નજીકના પાપુવાન યુગીની દેશનો વતની છે.
ફ્લેટમાં થોડા સમય પહેલા આવેલા યુવક અને યુવતી કોણ ?
વડોદરા,બનાવ અંગે વિસ્તારમાં ચાલતી ચર્ચા મુજબ, એક યુવતી અને યુવક થોડા સમય પહેલા તે ફ્લેટમાં આવ્યા હતા. તેઓ વચ્ચે મારામારી થઇ હતી. ત્યારબાદ તે બંને ત્યાંથી નીકળી ગયા હતા. પરંતુ, ફ્લેટમાં રહેતો વિદ્યાર્થી લોહીલુહાણ હાલતમાં ચાકૂ લઇને ફ્લેટની નીચે ઉતર્યો હતો. થોડીવાર સુધી તેણે નીચે આંટા માર્યા હતા. ત્યારબાદ ત્યાં જ બેસી ગયો હતો. થોડો સમય બેઠા પછી તે પરત ફ્લેટમાં જતો રહ્યો હતો.
ફ્લેટની અંદર ફર્સ પર ઠેર - ઠેર લોહીના ડાઘા
વડોદરા,સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે લોહીથી લથપથ વિદ્યાર્થી પરત તેના ફ્લેટમાં જતો રહ્યો હતો. પોલીસે લગભગ અક કલાક સુધી દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ, તેણે દરવાજો ખોલ્યો નહતો. છેવટે તેણે દરવાજો ખોલતા તે નશાની હાલતમાં જણાઇ આવ્યો હતો. તેના ઘરમાં ઠેર - ઠેર લોહીના ડાઘા હતા. તે જોઇને પોલીસ પણ ચોંકી ગઇ હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને માંડ માંડ નીચે ઉતારવામાં આવ્યો હતો.
નશો કરેલી હાલતમાં પકડાયેલો ઇજાગ્રસ્ત વિદ્યાર્થી જીપમાંથી નીચે પડી ગયો
વડોદરા,મળતી માહિતી મુજબ, ફ્લેટમાંથી ઇજાગ્રસ્તને નીચે ઉતારી ચારથી પાંચ પોલીસ જવાનોએ ઉંચકીને પોલીસની જીપમાં બેસાડયો હતો. પરંતુ, વિદ્યાર્થી એટલા બધા નશામાં હતો કે, તે જીપમાંથી નીચે પડી ગયો હતો. ફરીથી પોલીસે તેને ઉંચકીને જીપમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. સ્થાનિક લોકોના કહેવા મુજબ વિદ્યાર્થી નશાની હાલતમાં હતો.
સ્થાનિક રહીશોએ વિદેશી વિદ્યાર્થીઓ અંગે રોષ વ્યક્ત કર્યો
વડોદરા,જે ફ્લેટમાં લોહીયાળ મારામારી થઇ તે ફ્લેટનો માલિકે ભાડૂત અંગેની જાણ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં કરી છે કે કેમ ? તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. આ ફ્લેટમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓના કારણે આજુબાજુના રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. પરંતુ, ફ્લેટ માલિકે કોઇ વાત ધ્યાને લીધી નહતી. આજે પણ વિસ્તારમાં આ અંગે રોષ હતો.સ્થાનિક લોકોનું કહેવું હતું કે, આ વિદેશી વિદ્યાર્થીઓની મોડી રાત સુધી અવર - જવર હતી. તેમજ તેઓ ૧૨ દિવસ પહેલા જ તેઓ અહીંયા રહેવા આવ્યા હતા.
ફ્લેટમાં વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે લાંબો સમય ઝપાઝપી થઇ
વડોદરા,પોલીસે ઘટના સ્થળે જઇને હાથ ધરેલી તપાસ દરમિયાન પોલીસને એવી માહિતી મળી છે કે, જે ફ્લેટમાંથી ઇજાગ્રસ્ત યુવક મળી આવ્યો છે. તે ફ્લેટમાં વિદેશી વિદ્યાર્થીઓ વચ્ચે લાંબા સમય સુધી ઝપાઝપી ચાલી હતી. તેના કારણે જ ફ્લેટમાં ઠેર - ઠેર લોહીના ડાઘા છે. જોકે, ફ્લેટમાંથી નીકળી ગયેલા યુવક અને યુવતી મળ્યા પછી જ સત્ય હકીકત જાણવા મળશે.