શ્રી અરવિન્દ આશ્રમ ખાતે ચોમાસાની છડી પોકારતાં બ્લડ લીલીનાં ફૂલ ખીલ્યાં
વર્ષમાં એક જ વખત ખીલતાં આ ફૂલને શ્રી માતાજીએ 'અતિમનસ' એવું નામ આપ્યું હતું
વડોદરા,બ્લડ લીલી ફૂલનું બોટનિકલ નામ 'હેમેન્થસ મલ્ટી ફલોરસ' છે, પણ મહાયોગી શ્રી અરવિન્દની સાથે સાધના કરનાર શ્રી માતાજીએ તેને અતિમનસનો આવિર્ભાવ ગણાવ્યું છે, અતિમનસ એટલે ઇશ્વરની ચેતના. આ ફૂલ દુર્લભ છે અને વર્ષમાં એક જ વખત ખીલે છે. વડોદરામાં દાંડિયાબજાર સ્થિત શ્રી અરવિન્દ આશ્રમ ખાતે આવા કેટલાક ફૂલો ખૂલ્યા છે.
આ ફૂલ ચોમાસાની છડી પોકારે છે, એટલે કે ફૂલ ખીલ્યાં બાદ થોડા દિવસોમાં જ વરસાદ આવે છે. શ્રી અરવિન્દની સાથે યોગ સાધના કરનાર શ્રી માતાજી દિવ્ય દ્રષ્ટિ ધરાવતાં હતાં, તેમણે પુષ્પોમાં રહેલી ગૂઢ ચેતનાને નિહાળી હતી અને પ્રત્યેક ફૂલને વિશિષ્ટ નામ આપ્યાં હતાં, જેમાં બ્લડ લીલીને 'અતિમનસ' એવું નામ આપ્યું હતું.
આ વખતે સખત ગરમી અને હીટવેવને કારણે પર્યાવરણ પર અસર થતાં ફૂલ ખીલવાની પ્રક્રિયા વિક્ષેપમાં મૂકાઇ છે. ગયાં વર્ષે દશ બાર ફૂલ એકસાથે ખીલ્યાં હતાં, જ્યારે આ વખતે કૂંડાઓમાં એક સાથે નહીં, પણ તબક્કાવાર ખીલી રહ્યાં છે.