વડોદરાઃકરજણમાં ભાજપના બળવાખોર નેતાનું શક્તિપ્રદર્શન,પાદરામાં જાહેરાત વગર કોંગી ધારાસભ્યએ ફોર્મ ભર્યું
વડોદરાઃ કરજણ સીટ પર ભાજપે કોંગ્રેસના ધારાસભ્યને ટિકિટ આપતાં નારાજ થયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ નિશાળિયાએ બળવો કરી આજે શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું.
ભાજપે જે રીતે કોંગ્રેસના ધારાસભ્યને તોડી લાવી ટિકિટ આપી તે રીતે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન સતિષ નિશાળિયાને પણ કોંગ્રેસની ટિકિટ આપવા માટે પ્રદેશ મોવડીઓ ચર્ચા કરી રહ્યા છે.પરંતુ હજી સુધી તેમના નામની જાહેરાત કરી નથી.જેથી કોઇ પણ સંજોગમાં ચૂંટણી લડવાની જાહેરાત કરનાર સતિષ નિશાળિયાએ આજે સાંજે નિશાળિયા ગામે ફાર્મમાં સ્નેહમિલનનો કાર્યક્રમ રાખી શક્તિ પ્રદર્શન કર્યું હતું.આ કાર્યક્રમમાં ં પાંચ હજારથી વધુ લોકો સ્વયંભૂ હાજર રહ્યા હોવાનું કહેવાય છે.કોંગ્રેસે મોટાભાગના ધારાસભ્યોને રીપીટ કર્યા છે ત્યારે પાદરાના ધારાસભ્યના નામની સત્તાવાર રીતે જાહેરાત નહિં થતાં આજે તેમણે વાજતેગાજતે ફોર્મ ભરી દીધું હતું.
પાદરા સીટ પર વર્ષ-૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસના જશપાલસિંહ અને ભાજપના દિનેશ પટેલ દીનુમામા વચ્ચે સીધો જંગ હતો.આ બેઠક પર ક્ષત્રિય બહુમતી હોવાથી જ્ઞાાતિવાદને આગળ કરવામાં આવ્યું હતું.જેથી કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.
જો કે, આ વખતે આ સીટ પર ભાજપે દીનુમામાને ટિકિટ આપી નથી.જેથી તેમણે અપક્ષ ઉમેદવારીની જાહેરાત કરી છે.તો સામે પક્ષે કોંગ્રેસે હજી આ સીટ પર ધારાસભ્યને રીપીટ કરવાની સત્તાવાર જાહેરાત નહિં કરતાં ખુદ સિનિયર કોંગી આગેવાનો પણ આશ્ચર્ય અનુભવી રહ્યા છે.આવી સ્થિતિ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય જશપાલસિંહે આજે રેલી કાઢી ઉમેદવારી પત્ર ભર્યું હતું.ટેકેદારોનું કહેવું છે કે,પાર્ટીએ મૌખિક સૂચના આપી દીધી હોવાથી ફોર્મ ભર્યું છે.