ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ : કયા મોઢે નાગરિકો સમક્ષ જવું? કાર્યકર્તાઓ વિમાસણમાં

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ : કયા મોઢે નાગરિકો સમક્ષ જવું? કાર્યકર્તાઓ વિમાસણમાં 1 - image

image : Twitter

Vadodara BJP : પૂરના કારણે શહેરના નાગરિકોમાં જબરજસ્ત રોષ છે. ત્યારે બીજી તરફ ભાજપના સદસ્યતા અભિયાનથી પક્ષના કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ વિમાસણમાં મુકાયા છે. ત્યારે પ્રદેશમાંથી છૂટેલી સૂચના મુજબ, આવતીકાલે બપોરે 12 વાગ્યા સુધી દરેક ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને પક્ષના હોદ્દેદારોએ ઓછામાં ઓછા 100 સભ્ય ફરજિયાત બનાવવાના છે. આદેશથી તેઓ વિમાસણમાં મુકાયા છે. 

ભારતીય જનતા પાર્ટી દ્વારા ગઈકાલથી સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભાજપ માટે સદસ્યતા અભિયાન અતિ મહત્વનું એટલા માટે માનવામાં આવે છે કે, આગામી મહિનાઓમાં રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી આવવાની છે ત્યારે પક્ષના જેટલા વધુ કાર્યકર્તાઓ એટલી પાર્ટી માટે જીત મેળવવી સરળ અને પાર્ટીનો વિજય બહોળો હશે. પરંતુ વડોદરામાં પૂરના કારણે અહીં સદસ્યતા અભિયાનની તદ્દન વિપરીત અસર જોવા મળી શકે છે. આવતીકાલ તારીખ 4 સપ્ટેમ્બરના રોજ બપોરે 12 વાગ્યા સુધી દરેક ચૂંટાયેલા જન પ્રતિનિધિએ તથા પાર્ટીના હોદ્દેદારોને ઓછામાં ઓછા 100 સભ્યો ફરજિયાત બનાવવાની પ્રદેશ કક્ષાએથી તાકીદ કરાઈ છે. ત્યારે હવે પૂરના કારણે કયા મોઢે નાગરિકોને સભ્ય બનાવવા ? એ પ્રશ્ન ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ માટે પેચિદો બન્યો છે. પૂરના કારણે ભાજપ માટે સદસ્યતા અભિયાન કેટલું પડકારજનક રહે છે? તે જો રહ્યું.

ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકર્તાઓ કેસરી ખેસ પહેરીને પોતાના વિસ્તારના વટ પાડતા હોય છે. ત્યારે હવે તેઓ કેટલા પાણીમાં છે? તે બાબત એમના દ્વારા પ્રાથમિક સભ્યો બનાવવા સાથે ખબર પડી જશે. હાલ પૂરની પરિસ્થિતિ છે ત્યારે નાગરિકોની નારાજગી ભાજપ પ્રત્યે વધી રહી છે. તેથી કાર્યકર્તાઓ માટે એક તરફ કૂવો અને બીજી તરફ ખાઈ જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

પ્રાથમિક સદસ્યતા મુદ્દે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ V/S સંગઠનના હોદ્દેદારો

એક તરફ પૂરના કારણે સદસ્યતા અભિયાનને વડોદરામાં મોટો આંચકો મળે તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. ત્યારે બીજી તરફ સદસ્યતા અભિયાનને લઈને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓમાં પણ વિભિન્ન મત સપાટી પર આવ્યા હોવાની ચર્ચા છે. ભાજપમાં સભ્યો બનાવવાની જવાબદારીમાંથી કેટલાક રસ્તા શોધી રહ્યા હોય તેવો ભાસ ઉભો થઈ રહ્યો છે! કેમ કે આ મામલે પણ બંને વચ્ચે જડભડના મુદ્દા સપાટી પર આવ્યા છે. પક્ષના એક ચૂંટાયેલા જન પ્રતિનિધિએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, અમે ભલે ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ છીએ પરંતુ પાર્ટીમાં કોને લેવા અને ન લેવા? તે પક્ષની બાબત છે. જેથી આમાં પાર્ટીના કાર્યકર્તાઓએ ભૂમિકા ભજવી રહી. ત્યારે બીજી તરફ સંગઠનમાં જવાબદારી નિભાવતા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, જો સદસ્યતા અભિયાન માત્ર સંગઠનની જવાબદારી હોય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તેમની ફરજમાં હવે બાકી શું રહ્યું? આમ ભાજપ પક્ષ માટે સદસ્યતા અભિયાનનો મુદ્દો પાર્ટીના હોદ્દેદારો અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ વચ્ચે એક આંતરિક શિત યુદ્ધનો મુદ્દો બને તેવી શક્યતા જોવાઇ રહી છે.


Google NewsGoogle News