ભાજપના દંડકે વડાપ્રધાનની વિકાસ યાત્રાનો ઉલ્લેખ કરી ઝૂ વિભાગનો સ્ટાફ કામગીરી પ્રત્યે નિષ્કાળજી દાખવી રહ્યાનો આક્ષેપ કર્યો
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઝૂ શાખાની જરૂરી તકેદારી લેવડાવવા બાબતે સત્તા પક્ષના દંડક અને ભાજપના વોર્ડ નં.17ના કોર્પોરેટર શૈલેષ પાટિલે મ્યુન્સિપાલ કમિશનર સમક્ષ માંગ કરી છે.
તેમણે જણાવ્યું છે કે, પાલિકા હસ્તક કમાટીબાગ ખાતે આવેલ ઝુ વિભાગ છેલ્લા ઘણા પાછલા વર્ષોની સરખામણીએ જોઈએ તો દર વર્ષે સહેલાણીઓની સંખ્યા અને આવકમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પાલિકા નાગરિકોની સુવિધાને પણ ધ્યાનમાં લે તે મુજબ કાર્ય કરતી હોય છે. સેન્ટ્રલ ઝુ ઓથોરિટી દ્વારા પણ મહાનગરપાલિકા હસ્તકના ઝૂને તેઓની ગાઈડ લાઈન પ્રમાણે વિકસાવવા માટે પ્રાધાન્ય આપે છે. ગુજરાત સરકાર દ્વારા પણ સ્વર્ણિમની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે અને નાગરિકોને કેમ વધુ ને વધુ સુવિધા મળી રહે તે માટે શાસકો કામ કરતા હોય છે. હાલ જ વડોદરાના ઝૂને નાગપુર ખાતેથી નર અને માદાની વાઘની જોડી ફાળવવામાં આવેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિકાસ ગાથાને પાલિકાના વહીવટ કરતા અવરોધ રૂપ થતા હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આ બાબતે જ્યારે અમે તાજેતરમાં ઝૂ વિભાગની મુલાકાત કરી ત્યારે સિવિલ કામને લગતી નિભાવણીના કામો હોય કે પછી નવીન કામો હોય અપૂરતા અને ઝૂ વિભાગ પ્રત્યે નિષ્કાળથી દાખવતા હોય તેવા એન્જિનિયરનો સ્ટાફ ચાર્જમાં કામ કરે છે. જે વડોદરા મહાનગરપાલિકાના વિકાસમાં અવરોધરૂપ થાય છે અને સેન્ટ્રલ ઝુ ઓથોરિટીની મંજુરી મેળવ્યા બાદના કામો પણ તેઓની ગાઈડ લાઈન પ્રમાણે કરવાના મંજુર હોવા છતાં પણ નથી થઈ રહ્યા. જે ખૂબ જ શરમજનક બાબત ધ્યાન પર આવી છે. જે બાબતે મ્યુનિસિપલ કમિશનર શહેરના નાગરિકો તેમજ અન્ય શહેરોમાંથી આવતા સહેલાણીઓની નજરમાં એક આગવું વડોદરા શહેરનું ઝૂ મળી રહે તે માટે પ્રયત્ન કરવા સુચન છે. ઝૂ વિભાગમાં થતી કામગીરી બાબતે સત્તા પક્ષના દંડકે જ સવાલ ઉઠાવતા પાલિકામાં ચર્ચાએ જોડ પકડ્યું છે.