ભાજપના મહિલા કોર્પોરેટર હેમીષાબેન ઠક્કરે ભાંગરો વાટ્યો : દંડકની મજાક ઉડાવી, કહ્યું કે તોફાની વિદ્યાર્થીને જ...
Vadodara Shala Praveshotsav : વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિ દ્વારા આજે પ્રવેશોત્સવનો કાર્યક્રમ શરૂ થયો છે જેમાં વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લની ઉપસ્થિતિમાં પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના મહિલા કોર્પોરેટર હેમીષાબેન ઠક્કરે તેમને દંડક એટલે મોનિટર ગણાવ્યા અને સાથે સાથે ક્લાસમાં જે તોફાની વિદ્યાર્થી હોય તેને મોનિટર બનાવવામાં આવતા હોય છે તેવું નિવેદન કરતા ભાજપ મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.
શિક્ષણ સમિતિ દ્વારા ત્રણ દિવસ પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે વિધાનસભાના દંડક બાળુભાઈ શુક્લને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા અને તમામ આગેવાનો અધિકારીઓએ વધુને વધુ બાળકો શિક્ષણનો લાભ લે અને કોઈ બાળક શિક્ષણથી વંચિત રહે નહીં તે માટેના પ્રયત્નો કરવા અપીલ કરી હતી.
પ્રવચન દરમિયાન ભાજપના મહિલા કાઉન્સિલર હેમીષાબેન ઠક્કરે વિધાનસભાના દંડકની બાળકોને ઓળખાણ આપતા કટાક્ષમાં જણાવ્યું હતું કે, દંડક એટલે મોનિટર. અમે જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે જે વિદ્યાર્થી તોફાની હોય તે જ વિદ્યાર્થીને મોનિટર બનાવવામાં આવતા હતા. ગુજરાત વિધાન સભાના દંડક અને રાવપુરા વિધાન દંડક બાળું શુક્લની મજાક ઉડાવતા જણાવ્યું કે, દંડક એટલે શું ? દંડક એટલે મોનિટર. હું શાળામાં ભણતી હતી ત્યારે પરંપરા હતી. શાળામાં મસ્તીખોર હોય, કોઈનું ન સાંભળી મનમાની કરે, રેગ્યુલર હાજર ન રહે, લેશન કમ્પ્લીટ ન કર્યું હૉય તેવા બાળકને અમે મોનિટર બનાવતા હતા. મોનિટર એટલે કલાસની સાળ સંભાળ રાખનાર તેવા વિધાનસભાના દંડકનું તાળીઓથી અભિવાદન કરો. આમ ઉદ્દબોધન દરમ્યાન હેમીષા ઠક્કરે ભાંગરો વાટયો હતો. અને ધમાલિયા ક્લાસ મોનીટર જેવા દંડક બાળુભાઈ શુક્લની તુલના કરતા ભાજપમાં ચર્ચાનો વિષય બન્યો હતો.