બરોડા બોમ્બે સ્ટેટમાં હતું ત્યારે પ્રથમ ચૂંટણી યોજાઇ વડોદરાની બેઠક પર ૮ વખત ભાજપ તેમજ સાત વખત કોંગ્રેસની જીત થઇ
ગુજરાત રાજ્યના અસ્તિત્વ બાદ વર્ષ ૧૯૬૨માં સ્વતંત્ર રાજ્યમાં પ્રથમ ચૂંટણી થઇ ઃ વર્ષ-૧૯૭૭માં છોટાઉદેપુર બેઠક અસ્તિત્વમાં આવી
વડોદરા, તા.8 વડોદરા લોકસભા બેઠક માટે ૧૯મી ચૂંટણી ૭મી મેના રોજ યોજાવાની છે. વડોદરાની આ બેઠક પર સૌપ્રથમ વખત ચૂંટણી યોજાઇ ત્યારે ત્રણ જિલ્લાઓનો સમાવેશ તેમાં થતો હતો અને બે બેઠકો તેમાં હતી. વડોદરા લોકસભા બેઠકની ૧૮ વખત અત્યાર સુધી ચૂંટણી થઇ તેમાં સૌથી વધુ વખત ભાજપની જીત થઇ છે. વર્ષ-૧૯૯૮થી આ બેઠક પર ભાજપનો કબજો છે.
ઉલ્લેખનીય છે કે દેશ આઝાદ થયો ત્યારબાદ બોમ્બે રાજ્યમાં વડોદરાની બે લોકસભા બેઠકો ગણાતી હતી. એક બેઠક પંચમહાલ કમ બરોડા તેમજ બીજી બેઠક બરોડા વેસ્ટ તરીકે ઓળખાતી હતી. આ બે બેઠક માટે સૌપ્રથમ વખત ચૂંટણી વર્ષ-૧૯૫૧માં યોજાઇ હતી. બાદમાં વર્ષ-૧૯૫૭માં પંચમહાલ અલગ થતાં એક માત્ર બરોડા બેઠક રહી હતી જેમાં હાલના છોટાઉદેપુર જિલ્લાનો પણ સમાવેશ થતો હતો. લોકસભાની બે ચૂંટણી બોમ્બે રાજ્યમાં ગુજરાત જ્યારે હતું ત્યારે યોજાઇ હતી.
ગુજરાત અલગ થયા બાદ વર્ષ-૧૯૬૨ની પ્રથમ ચૂંટણી લોકસભા બેઠક માટે યોજાઇ હતી. તે સમયે પણ આ બેઠક બરોડા તરીકે ઓળખાતી હતી. વર્ષ-૧૯૬૭માં બીજી, વર્ષ ૧૯૬૭ અને ત્રીજી વર્ષ ૧૯૭૧માં ચૂંટણી બરોડા બેઠક તરીકે યોજાયા બાદ અલગ રાજ્યની ચોથી ચૂંટણીમાં છોટાઉદેપુર અલગ બેઠકનું અસ્તિત્વ થયું હતું. ત્યારબાદ બરોડા બેઠકના બદલે વડોદરા લોકસભા બેઠક નામથી આ બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે.
બરોડા અને બાદમાં વડોદરા બેઠકની અત્યાર સુધી યોજાયેલી ૧૮ ચૂંટણીના ડેટા જોઇએ તો ભાજપના ઉમેદવારે કુલ ૮ વખત ચૂંટણી જીતી છે જ્યારે કોંગ્રેસના ૭ ઉમેદવારોએ વિજય મેળવ્યો છે. આ ઉપરાંત અન્ય પક્ષોએ શરૃઆતમાં એક એક વખત વિજય હાંસલ કર્યો છે.
ક્યાં પક્ષનો કેટલી ચૂંટણીમાં થયેલોવિજય
ચૂંટણીમાં વિજય પક્ષ
૮ ભાજપ
૭ કોંગ્રેસ
૧ જનતાદળ
૧ સ્વતંત્ર પાર્ટી
૧ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (ઓર્ગેનાઇઝેશન)
૧ ઇન્ડિયન
બરોડાની સૌપ્રથમ ચૂંટણીમાં હાલના ત્રણ જિલ્લાઓ હતાં
દેશ આઝાદ થયો ત્યારબાદ બોમ્બે સ્ટેટમાં વડોદરાની બે બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં એક બેઠક પંચમહાલ કમ બરોડા અને બીજી બેઠક બરોડા વેસ્ટ તરીકે ઓળખાતી હતી. પંચમહાલ કમ બરોડા બેઠકમાં બરોડા ઉપરાંત હાલના છોટાઉદેપુ અને પંચમહાલ જિલ્લાનો પણ સમાવેશ થતો હતો.
મોદીએ રાજીનામું આપ્યું અને પ્રથમ વખત પેટાચૂંટણી યોજાઇ
વડોદરાની લોકસભા બેઠક પર નરેન્દ્ર મોદી જ્યારે વર્ષ-૨૦૧૪ની ચૂંટણીમાં વિજેતા થયા અને તેમણે રાજીનામું આપ્યું ત્યારબાદ વડોદરાની આ બેઠક પર પ્રથમ વખત પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી. નરેન્દ્ર મોદીના રાજીનામાથી ખાલી પડેલી આ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિજેતા થયા હતાં.
વડોદરાની બેઠક પર ત્રણ મહિલાઓ વિજયી થઇ છે
વડોદરા લોકસભા બેઠક પર અત્યાર સુધી ત્રણ મહિલા ઉમેદવારો વિજેતા થયા છે. આ ત્રણે મહિલાઓને ભાજપે ટિકિટ આપી હતી. વડોદરાની બેઠક પર સૌપ્રથમ મહિલા દિપીકા ચિખલીયા વિજેતા બનેલ ત્યારબાદ જયાબેન ઠક્કર અને પછી રંજનબેન ભટ્ટ વિજેતા બન્યા હતાં.
ગાયકવાડ પરિવારના બે સભ્યોએ છ વખત ચૂંટણી જીતી
વડોદરા લોકસભા બેઠક પર બરોડાના રાજવી ગાયકવાડ પરિવારનું પણ શરૃઆતથી હંમેશા વર્ચસ્વ રહ્યું હતું. બરોડા અને ત્યારબાદ વડોદરાની બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ગાયકવાડ પરિવારમાંથી ઉભા રહેલા ઉમેદવારોએ છ વખત જીત મેળવી છે. જેમાં સૌથી વધુ ચાર વખત ગાયકવાડ ફતેસિંહ પ્રતાપસિંહ ચૂંટાયા છે. જ્યારે ગાયકવાડ રણજીતસિંહ બે વખત ચૂંટણી જીત્યા છે.