લોકસભા ચૂંટણી ઈફેક્ટ : 100 બેઠકોની પ્રથમ યાદી જાહેર થશે, વડોદરા બેઠક માટે રોજ નવા નામોની રાજકીય મોરચે ચર્ચા
વડોદરા,તા.29 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર
લોકસભાની ચૂંટણીના પડઘમ શરૂ થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય કક્ષાની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી ગયા બાદ હવે દિલ્હીમાં કેન્દ્રીય પર્લામેન્ટરી બોર્ડની બેઠકોનો દોર શરૂ થયો છે. ત્યારે પ્રથમ સો ઉમેદવારની યાદી ગણતરીના દિવસમાં જાહેર થઈ જશે ત્યારે વડોદરા બેઠક માટે રોજ આવું નવા નામોની ચર્ચા રાજકીય મૂળ છે ચાલી રહી છે. ત્યારે હવે સૌની નજર કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડના નિર્ણય પર છે.
લોકસભાની ચૂંટણી માટે ભાજપ પ્રથમ 100 ઉમેદવારોની યાદી આગામી સપ્તાહમાં ગમે ત્યારે જાહેર કરી શકે છે. નામોની યાદી જાહેર થતાં અગાઉ આજે દિલ્હી ખાતે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે. જો કે તેમાં મોટેભાગે ભાજપની જ્યાં હાર થઈ છે તેવી બેઠકોની ઉપર ઉમેદવાર મૂકવાની ચર્ચા થવાની શક્યતા છે. તો સાથો સાથ ચાલુ સપ્તાહ દરમિયાન પાર્લામેન્ટરી બોર્ડ સતત મળી તેમાં પ્રથમ યાદીમાં જાહેર થનાર 100 ઉમેદવારો સાથે ગુજરાત ભાજપના પણ કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત કરે તેવી શક્યતાના પગલે રાજકીય પક્ષના કાર્યકરોમાં અનેક પ્રકારની ગરમ ચર્ચાઓ શરૂ થઈ છે.
લોકસભાની ચૂંટણી માટેની ભારતીય જનતા પાર્ટીએ ઘણા સમય અગાઉથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. કદાચ આ પ્રથમ વખત થશે જેમાં લોકસભાની ચૂંટણી જાહેર થતાં અગાઉ ભાજપ પોતાના 100 ઉમેદવારોના નામની ઘોષણા કરે. પાર્ટીમાં ચાલતી ચર્ચા મુજબ, આગામી મહિનાના પ્રથમ સાત દિવસમાં ભાજપ પોતાના 100 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. જે માટે પાર્ટીમાં મહત્વની બેઠકનો દોર પણ પૂર્ણ થઈ ગયો છે. આ માટે સ્થાનિક કક્ષાએ ભાજપે નિયત કરેલા પાર્ટીના અગ્રણીઓની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જેમાં નામો નક્કી કરી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સુપ્રત કરવામાં આવ્યા હતા. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડએ ચર્ચા વિચારણાના અંતે નક્કી કરેલા નામ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડને પાઠવ્યા હતા. ત્યારે આજે બપોર બાદ નવી દિલ્હી ખાતે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવા જઈ રહી છે. ભાજપના સૂત્રોનું કેવું છે કે, આજથી સળંગ બેથી ત્રણ દિવસ સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી શકે છે. જો કે આજની બેઠકમાં અગાઉ લોકસભાની ચૂંટણી હારેલી બેઠક પર મહત્તમ ચર્ચા થશે તેવું અનુમાન છે. સાથોસાથ આગામી 2 થી 3 દિવસમાં ભાજપ એ બેઠકોના નામ નક્કી કરી દેશે જેનો પ્રથમ 100 ઉમેદવારોની યાદીમાં સમાવેશ થનાર છે.
સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડમાં વડોદરાથી અંતિમ ત્રણ નામો મોકલવામાં આવ્યા છે વડોદરા લોકસભાની બેઠકના ઉમેદવાર નક્કી કરવા માટે ભાજપમાં અલગ અલગ પ્રક્રિયાના અંતે સેન્ટ્રલ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ અંતિમ ત્રણ નામ પાઠવવામાં આવ્યા હતા. જેમાં વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ અને પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યા અને ડો.વિજય શાહનો સમાવેશ થાય છે. હવે પાર્ટી આ બે નામો પૈકીની વ્યક્તિ પર મંજૂરીની મહોર મારે છે કે અન્ય કોઈ ચોંકાવનારું નામ જાહેર થાય છે? તે આગામી દિવસોમાં ખબર પડશે. પરંતુ તે દરમિયાન છેલ્લા બે દિવસથી રોજ નવા નવા નામોની ચર્ચા રાજકીય મૂળચે શરૂ થઈ છે જેમાં પૂર્વ પોલીસ કમિશનર રાકેશ અસ્થાના, રાજેન્દ્ર ત્રિવેદી, જયશંકર, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, રાધિકા રાજે, તેજલ અમીન, સીમાબેન મોહીલે વિગેરેના નામોની ચર્ચા ચાલી રહી છે.