વડોદરા જિલ્લા પંચાયતમાં ૨૭ બેઠકો મેળવી ભાજપનો કેસરિયો લહેરાયો
જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકોમાં કોંગ્રેસે માત્ર ૭ બેઠકો પર વિજય મેળવ્યો
વડોદરા : વડોદરા જિલ્લા પંચાયતની યોજાયેલી ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા હતાં. ગત ચૂંટણીમાં કોંગ્રેસે સૌથી વધુ બેઠકો મેળવીને સત્તા મેળવી હતી પરંતુ આજે થયેલી મતગણતરીમાં કુલ ૩૪ બેઠકો પરથી ૨૭ બેઠકો પર ભાજપે વિજય મેળવી જિલ્લા પંચાયત પર સત્તા હાંસલ કરી છે. કોંગ્રેસને માત્ર ૭ બેઠકો મળી હતી.
આજે સવારથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. સવારે ૯ વાગ્યાથી શરૃ થયેલી મતગણતરીમાં સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી હતી અને બાદમાં ઇવીએમના મતોની ગણતરી હાથ ધરાઇ હતી.
વડોદરા નજીક દશરથ ગામની શાળામાં તેમજ તાલુકા મથક ખાતે થયેલી મતગણતરીમાં શરૃઆતથી જ ભાજપનો ભગવો લહેરાતો હતો. જેમ જેમ પરિણામો જાહેર થાય તેમ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ વર્તાતો જણાતો હતો. બીજી બાજુ કોંગ્રેસની છાવણીમાં નિરાશા વ્પાપી ગઇ હતી. વડોદરા જિલ્લાના આઠ તાલુકાની ૩૪ બેઠકો પર યોજાયેલી ચૂંટણી શરૃઆતથી જ રસપ્રદ બની હતી. ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ ભાજપના વોટ કાપશે તેવી ગણતરીઓ મંડાતી હતી પરંતુ રિઝલ્ટ જાહેર થતાની સાથે જ ભાજપનું પલ્લુ મોટાભાગની બેઠકો પર ભારે બનતું જતું હતું.
જિલ્લા પંચાયતની ગત ચૂંટણીમાં ૩૬ બેઠકો હતી પરંતુ આ ચૂંટણીમાં જિલ્લાના કેટલાંક વિસ્તારો કોર્પોરેશનની હદમાં સમાવેશ થતા બેઠકો ઘટીને ૩૪ થઇ હતી. આ બેઠકોમાં ૨૭ બેઠકો પર ભાજપે વિજય મેળવ્યો છે અને માત્ર ૭ બેઠક પર કોંગ્રેસે વિજય મેળવી સંતોષ માનવો પડયો છે. જિલ્લામાં ડેસર, શિનોર, વાઘોડિયા તાલુકામાં ભાજપે તમામ બેઠકો પર કબજો મેળવ્યો હતો.