જોધપુર પાસે અકસ્માતમાં ભાજપના કોર્પોરેટરના ભાઇનું કરૃણ મોત
બિકાનેર નજીક વતનમાં લગ્નપ્રસંગમાં જતા ખેતેશ્વર સ્વીટના માલિકને જીવલેણ અકસ્માત ઃ પત્નીને ઇજા
વડોદરા, તા.27 રાજસ્થાનના જોધપુર પાસે હાઇવે પર આજે સવારે એક ટ્રકની પાછળ કાર ઘૂસી જતા કાર ચલાવતા વડોદરાના ભાજપના કોર્પોરેટરના નાના ભાઇ તેમજ ખેતેશ્વર સ્વીટ એન્ડ ફરસાણના માલિક મોહનસિંહ રાજપુરોહિતનું ઘટનાસ્થળે કરૃણ મોત નિપજ્યું હતું જ્યારે તેમના પત્નીને ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા અને નિઝામપુરામાં જ ખેતેશ્વર સ્વીટ એન્ડ ફરસાણની દુકાન ચલાવતા મોહનસિંહ નારાયણસિંહ રાજપુરોહિત (ઉ.વ.૪૪) વોર્ડ નંબર-૨ના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના નાના ભાઇ હતાં. તેમના વતન રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં ક્રિષ્ણાસર ગામમાં લગ્નપ્રસંગ હોવાથી મોહનસિંહ તેમજ તેમના પત્ની પ્રેમકંવર ક્રેટા કારમાં ડ્રાઇવરની સાથે વડોદરાથી ગઇરાત્રે નીકળ્યા હતાં.
ડ્રાઇવરે રાત્રિ ડ્રાઇવિંગ કર્યું હોવાથી સવારે મોહનસિંહે ડ્રાઇવરને બાજુની સીટ પર બેસાડી પોતે ડ્રાઇવિંગ હાથમાં લીધું હતું. સવારે છ વાગ્યાની આસપાસ જોધપુરથી ૨૦ કિલોમીટરના અંતરે હાઇવે પર એક ટ્રકની પાછળ તેઓ જતા હતા ત્યારે ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતાં મોહનસિંહ બ્રેક મારવા જાય તે પહેલાં જ કાર ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી અને ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોહનસિંહને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ તેમનું દુઃખદ નિધન થયું હતું જ્યારે પત્નીને ફેક્ચર થયું હતું.
કોર્પોરેટરના નાનાભાઇ તેમજ શહેરમાં સ્વીટ એન્ડ ફરસાણના અગ્રણી વેપારીને અકસ્માત થયો હોવાની જાણ કુંટુંબીજનો તેમજ ્અન્ય રાજકીય અગ્રણીઓને થતાં તેઓ જોઘપુર પહોંચી ગયા હતાં. આ સમાચારના પગલે સ્વીટ એન્ડ ફરસાણના વેપારીઓમાં શોક પણ ફેલાયો હતો.