લોક ભાગીદારી મોડલથી બિલ્ડરોને ફાયદો કોર્પોરેશનને આર્થિક નુકસાન અંગે ભાજપ-કોંગ્રેસના સભ્યોનો રોષ
Vadodara News : વડોદરા કોર્પોરેશનની સભામાં કોંગ્રેસ અને ભાજપના સભ્યોએ પીપીપી મોડલમાં પાલિકાને ખૂબ મોટું આર્થિક નુકસાન જાય છે. જેટલા પીપીપી મોડલ કર્યા તેમાં તેનો ભાગ બનેલા બીજા લોકો કમાઈ જાય અને પાલિકા ઠેરની ઠેર રહે છે.
કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે આજવા અતાપીપાર્ક, જનમહલ, આઘોરા મોલ, ઓડનગર, સંજયનગર વગેરે પ્રોજેક્ટનો ઉલ્લેખ પણ કર્યો. તેમણે જણાવ્યું કે, જનમહલમાં રેલ્વે સ્ટેશનથી જનમહલ સુધી અંડરગ્રાઉન્ડ રસ્તો આપવાનો હતો, હજુ તે બન્યો નથી. નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબની જમીનમાં પાલિકાને કેટલું નુકસાન છે તે સૌ કોઈ જાણે છે. અઘોરા યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ ન થતા તેનાથી પણ કોર્પોરેશનને નુકસાન જઈ રહ્યું છે. ઓડનગર ખાતે રૂપિયા પાંચ કરોડના પ્રોજેક્ટ સામે કોર્પોરેશને રૂપિયા પાંચ કરોડનો ખર્ચ કરી રોડ બનાવી આપ્યો. સંજયનગરનું કામ બે વર્ષમાં પૂરું કરવાનું હતું ત્યારે આપણે વધુ બે વર્ષનું એક્સટેન્શન તેને આપવું પડ્યું. સંજયનગરનો પ્રોજેક્ટ સમય મર્યાદામાં પૂરો થઈ શક્યો નથી તો કોર્પોરેશનની કરોડની જમીન આપણે બચાવી લેવી જોઈએ. મધુનગર માટે વર્ષ 2016માં પત્ર લખ્યો હતો આજે વર્ષ 2024 થયું તેમ છતાં હજુ બે ટાવર બન્યા નથી અને ઈજારદાર એમના હકની જમીન માગી રહ્યો છે. તો શું આપણે દરેક ક્ષેત્રે પાલિકાને નુકસાન જ કરાવવા બેઠા છીએ?
આ પ્રસંગે ભાજપના કોર્પોરેટર આશિષ જોષીએ જણાવ્યું કે, મારી રજૂઆત બાદ તત્કાલીન મેયર કેયુર રોકડિયા મધુનગર ખાતે રૂબરૂ મુલાકાતે આવ્યા હતા. વર્તમાન મેયર પણ રૂબરૂ મુલાકાત કરે તો તેમને મધુનગરમાં થયેલ ભ્રષ્ટાચારનો ખ્યાલ આવે. વર્ષ 2017માં અહીં ઇજારો અપાયા પછી કોર્પોરેશને અહીં 100 ઝુપડા તોડી પાડ્યા અને અસરગ્રસ્તોને 18 મહિનામાં ઇજારદારે આવાસો આપવાના હતા પરંતુ આજે પણ તેઓ ઘરવિહોણા છે. બિલ્ડર પ્રોજેક્ટ પૂરો કરશે ત્યારે આપણે કલાદર્શન પાસેની સોનાની લગડી જેવી 2100 ચોરસ મીટરની રજા ચિઠ્ઠી અને 5000 ચોરસ મીટરનો પ્લોટ તેમને આપવાનો છે. અહીંના બિલ્ડરે મધુનગરનો પ્રોજેક્ટ દર્શાવી પોતાની પાસે કિંમતી જમીન આવવાની છે તેમ કહી રૂપિયા ઉઘરાવી પોતાની કર્યો છે. તમે સમજી શકો છો કે, આપણે વર્ષ 2017થી પ્રોજેક્ટ આપ્યો પછી જ્યારે ભવિષ્યમાં બિલ્ડરને જમીન આપીશું, હજુ ક્યારે આપીશું તે નક્કી નથી, ત્યારે તે જમીનની કેટલી ઊંચી માર્કેટ વેલ્યુ હશે? મહત્વની બાબત તો એ છે કે, જ્યારે વર્ષ 2017માં તેને ઇજારો અપાયો ત્યારે કોઈ કાર્યવાહી થઈ ન હતી પરંતુ જેવા અધિકારી બદલાયા એટલે વર્ષ 2021માં આપણે તેને સ્ટેમ પેપર પર લખાણ કરી આપ્યું અન્યથા વર્ષ 2017થી 2021 સુધી તેની પાસે કોઈ લેખિત કરાર ન હતા. આમ બિલ્ડરના અધિકારીઓ સાથે કેટલા મજબૂત સંબંધો છે તે પ્રસ્થાપિત થાય છે.