વડોદરાના એકતા નગરમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે ભાજપ કોંગ્રેસ આમને-સામને: પોલીસ બોલાવવી પડી
વડોદરા,તા.19 માર્ચ 2024,મંગળવાર
વડોદરા સમા વિસ્તારના એકતા નગરમાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની વિકટ સમસ્યા હોવાના મુદ્દે આજે કોંગ્રેસ ભાજપના આગેવાનો આમને સામને આવી ગયા હતા અને સામસામે આક્ષેપો થયા હતા. કોંગ્રેસની આગેવાનીમાં કેટલાક સ્થાનિક રહીશો મોરચો કાઢીને રજૂઆત કરવા જવાના હતા પરંતુ તે અગાઉ પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.
સમા વિસ્તારના એકતા નગરમાં પ્રાથમિક સુવિધાના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી રજૂઆતો કરવામાં આવતી હતી અને તે રજૂઆતો મુજબ કામગીરી પણ થતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણીની સમસ્યા વિકટ બની હતી. જે અંગે સ્થાનિક રહીશોએ રજૂઆત કરતા કોઈ ઉકેલ આવતો ન હતો જેને લઈને આજે કોંગ્રેસના કેટલાક આગેવાનોએ સ્થળ પર આવી લોકોને સાથે રાખી મોરચો કાઢી રજૂઆત કરવાની શરૂઆત કરતા હતા ત્યારે ભાજપના પણ કોર્પોરેટર અને કાર્યકર્તાઓ સ્થળ પર પહોંચી ગયા હતા અને લોકોને સમજાવ્યા હતા કે કામગીરી થઈ રહી છે છતાં પણ તમે રજૂઆત કરવા જાવ છો તે બાબતમાં સ્થાનિક રહીશોમાં ભાગલા પડી ગયા હતા. કેટલાક સ્થાનિક રહીશોએ ભાજપના કોર્પોરેટરોના સમર્થનમાં રજૂઆતો કરી હતી કે કોર્પોરેટર અને સાંસદના પ્રયત્નોથી એકતા નગરમાં પ્રાથમિક સુવિધાના કામો ઝડપથી થઈ રહ્યા છે. હાલમાં પાણીની સમસ્યાનો પણ ઉકેલ લાવવા કામગીરી ચાલુ છે તો બીજી બાજુ કોંગ્રેસના આગેવાનો અને અન્ય કેટલાક સ્થાનિક રહીશોએ રજૂઆત કરી હતી કે પીવાના પાણીની સમસ્યા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. તો દર વખતે કોઈને કોઈ બહાના હેઠળ કામગીરી કરવામાં આવતી ન હતી અને દિવાળી પછી તમારું કામ થઈ જશે તેવી ખાતરી આપવામાં આવતી હતી. પરંતુ કોઈ કામ આજદિન સુધી થયું નથી જેથી આજે રજૂઆત કરવા જતા હતા તે અગાઉ જ પોલીસને બોલાવવામાં આવી હતી અને પોલીસે 144 ની કલમ લાગુ કરીને કાર્યવાહી થશે તેવી ધમકી આપી છે તે અયોગ્ય છે.