કોંગ્રેસના ઉમેદવારનો માત્ર રૃા.૧૪.૦૨ લાખ ખર્ચ લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો સૌથી વધુ ખર્ચ
ભાજપના ઉમેદવારને પક્ષે રૃા.૫૦ લાખ આપ્યા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને પક્ષે કોઇ રકમ આપી ન હતી
વડોદરા, તા.19 વડોદરા લોકસભાની યોજાયેલી ચૂંટણીમાં ઝંપલાવનાર રાષ્ટ્રીય પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારો દ્વારા ચૂંટણી દરમિયાન કરવામાં આવેલો છેલ્લો ખર્ચ ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો જેમાં સૌથી વધુ ખર્ચ ભાજપના ઉમેદવારે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવાર માટે ચૂંટણીખર્ચની મર્યાદા રૃા.૯૫ લાખ નિર્ધારિત કરવામાં આવી હતી. આ રકમ જેટલો ખર્ચ ઉમેદવાર કરી શકે તેવી મર્યાદા રાખવામાં આવી હતી અને પંચ દ્વારા નક્કી કરવામાં આવ્યા મુજબ ઉમેદવારીપત્ર રજૂ કર્યા બાદ નિર્ધારિત સમયે ખર્ચની વિગતો પંચ સમક્ષ રજૂ કરવાની હોય છે. અને ચૂંટણી પૂર્ણ થયાના ૩૦ દિવસમાં કુલ ખર્ચ રજૂ કરવાનો હોય છે.
વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સહિત કુલ ૧૪ ઉમેદવારોએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું. ચૂંટણીમાં ઊભા રહેલા તમામ ૧૪ ઉમેદવારો દ્વારા પંચને અંતિમ ચૂંટણીખર્ચ રજૂ કર્યો હતો જેમાં સૌથી વધુ ખર્ચ ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીએ રૃા.૬૪.૧૦ લાખ કર્યો હોવાનું બહાર આવ્યું છે. આ ખર્ચ રજૂ કરતી વખતે રૃા.૫૦ લાખ જેટલી રકમ પક્ષ તરફથી પ્રાપ્ત થઇ હોવાનું જણાવાયું છે.
ચૂંટણીમાં સૌથી ઓછો માત્ર રૃા.૧૨૯૫૦ ખર્ચ અપક્ષ ઉમેદવાર પરમાર હેમંત અરવિંદભાઇએ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવારના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર પઢિયાર જશપાલસિંહ મહેન્દ્રસિંહે કુલ રૃા.૧૪.૦૨ લાખનો ખર્ચ કર્યો હોવાનું જાહેર કર્યું છે. કોંગ્રેસના ઉમેદવારને પક્ષ દ્વારા ચૂંટણી લડવા કોઇ ફંડ મળ્યું ન હતું પરંતુ ડોનર્સ દ્વારા ૮.૫૧ લાખનું ફંડ મળ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.