Get The App

વડોદરા બેઠક પર ફરી ભાજપનો કબજો ઃ ડો.હેમાંગ જોશી વિજેતા

મતગણતરીના પ્રારંભથી જ ડો.હેમાંગે લીડ મેળવી જે અંતિમ રાઉન્ડ સુધી ચાલુ રહી ઃ ભાજપના કેમ્પમાં ખુશાલી વ્યાપી

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
વડોદરા બેઠક પર ફરી ભાજપનો કબજો ઃ ડો.હેમાંગ જોશી વિજેતા 1 - image

વડોદરા, તા.4 વડોદરાની લોકસભા બેઠક પર ફરી એક વખત ભાજપના ઉમેદવારે જંગી બહુમતીથી વિજય હાંસલ કર્યો છે. ભાજપના નવયુવાન ઉમેદવાર ડો.હેમાંગ જોશીનો પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર સામે ૫.૮૨ લાખ જેટલાં જંગી મતોથી વિજય થયો હતો. આ વિજય સાથે જ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વર્ષ-૧૯૯૧માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપનું ખાતું ખૂલ્યું હતું જો કે ત્યારપછી વર્ષ-૧૯૯૬ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડ માત્ર ૧૭ મતથી વિજેતા થયા હતા અને ત્યારબાદ યોજાયેલી લોકસભાની તમામ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે બાજી મારી છે અને વડોદરાની બેઠક પર ભાજપનો વિજયરથ વર્ષ-૨૦૨૪ની યોજાયેલી ચૂંટણીમાં પણ ચાલુ રહ્યો  હતો.

આજે સવારે આઠ વાગ્યાથી શહેરની પોલિટેકનિક કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. વડોદરા લોકસભા બેઠક પરની સાત વિધાનસભા બેઠક પ્રમાણે બનાવાયેલા કાઉન્ટિંગ હોલમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને તબક્કાવાર રાઉન્ડ પ્રમાણે મતગણતરીની વિગતો બહાર આવવા લાગી હતી. પ્રથમ રાઉન્ડથી જ ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશી આગળ રહ્યા હતાં. શરૃઆતથી જ મોટી લીડ સાથે મતો મેળવતા ડો.હેમાંગ જોશીની દરેક રાઉન્ડ પ્રમાણે લીડ સતત વધતી જતી હતી.

ઇવીએમમાં ટેકનિકલ ખામીઓ વચ્ચે મતગણતરીના પ્રથમ રાઉન્ડથી જ આમ તો ભાજપના ઉમેદવારની જીત નક્કી થઇ ગઇ હતી જેના પગલે કોંગ્રેસના કેમ્પમાં સન્નાટો છવાઇ ગયો હતો. સવારે આઠ વાગ્યાથી શરૃ થયેલી મતગણતરી સતત ચાલુ રહી હતી અને બપોરે અંતિમ ગણતરી સાડા ત્રણ વાગ્યા સુધી ચાલ્યા બાદ ડો.હેમાંગ જોશીને વિજતા ઉમેદવાર તરીકે જિલ્લા ચૂંટણી અધિકારીએ જાહેર કરી પ્રમાણપત્ર એનાયત કર્યું  હતું. 

ઉલ્લેખનીય છે કે વડોદરા લોકસભા બેઠક પર ૧૪ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું  હતું. આ બેઠક પર કુલ ૧૯૫૦૧૨૩ મતદારો નોંધાયા હતા જેની સામે ૧૧૯૩૭૬૧ મતદારોએ વોટિંગ કર્યું હતું. આજે મતગણતરી દરમિયાન કુલ ૧૧૪૨ મતો રિજેક્ટ થયા હતાં જ્યારે ૧૧ ટેન્ડર વોટ નોધાયા હતાં. ભાજપના ઉમેદવાર ડો.હેમાંગ જોશીને ૮૭૩૧૮૯ જ્યારે કોંગ્રેસના જશપાલસિંહ પઢિયારને ૨૯૧૦૬૩ મતો પ્રાપ્ત થયા હતાં.




Google NewsGoogle News