ગાંધીનગરમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે : મોટી માથાકૂટ અટકી
ભાજપ સેક્ટર-૨૨ સ્થિત કોંગ્રેસ કાર્યાલયે વિરોધ કરવા
પહોંચ્યું
પોલીસ વચ્ચે આવી જતા ઘર્ષણ ટળ્યું : બંને પક્ષોને વિખેરીને મામલો શાંત પાડવામાં આવ્યો : બંદોબસ્ત ગોઠવી દેવાયો
ગાંધીનગર : સંસદમાં રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ ભાજપે મુદ્દો બનાવી દીધો છે અને કોંગ્રેસ કાર્યાલયોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે બપોરે શહેરના સેક્ટર ૨૨ ખાતે કોંગ્રેસના કાર્યાલયે વિરોધ કરવા ગયેલા ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા જોકે પોલીસે વચ્ચે ઊભા રહીને મોટા ઘર્ષણને ટાળી દીધું હતું અને હાલ કોંગ્રેસ કાર્યાલય ફરતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
સંસદનું ચોમાસુ સત્ર હાલ ધીરે ધીરે તોફાની બની રહ્યું છે અને ગઈકાલે વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુ સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીને લઇ ભાજપ દ્વારા તેને મુદ્દો બનાવી દેવામાં આવ્યો છે અને દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે બપોરના સમયે ગાંધીનગર મહાનગર ભાજપના કાર્યક્રમ હેઠળ પ્રમુખ,ધારાસભ્ય, મેયર સહિતના આગેવાનો અને કાર્યકરો રાહુલ ગાંધી માફી માગીના બેનરો સાથે સેક્ટર ૨૨ સ્થિત કોંગ્રેસના કાર્યાલય પહોંચી ગયા હતા અને વિરોધ કરી રહ્યા હતા. જોકે આ સમયે કોંગ્રેસના કાર્યકરો પણ કચેરીમાંથી બહાર આવી ગયા હતા અને રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવ્યા હતા. જેના પગલે બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બીજી બાજુ મોટો પોલીસ કાફલો પણ અહીં ઉતરી પડયો હતો અને આ કાર્યકરોની વચ્ચે ઉભો રહી ગયો હતો. જેના પગલે બંને પક્ષો વચ્ચે મોટી માથાકૂટ થતા અટકી ગઈ હતી ત્યારબાદ પોલીસ દ્વારા મામલાને શાંત પાડી દેવામાં આવ્યો હતો અને અહીં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે હાલમાં શરૃ થયેલી બંને પક્ષો વચ્ચેની તકરાર આગળ શું સ્વરૃપ ધારણ કરે છે તે જોવું રહ્યું પરંતુ પોલીસે હાલ તો આ ઘટનાને ગંભીરતાથી લેવાની જરૃર છે.