MGVCL ખાનગીકરણનો કડવો અનુભવ, એજન્સીના આઠ કર્મચારીઓએ બે દિવસમાં નોકરી છોડી દીધી
વડોદરાઃ મધ્ય ગુજરાત વીજ કંપની સહિતની તમામ સરકારી વીજ કંપનીઓમાં સેન્ટ્રલાઈઝડ કોલ સેન્ટર અને ફોલ્ટ સેન્ટર મેનેજમેન્ટના નામે ટેકનિકલ કર્મચારીઓની કામગીરીનુ આઉટસોર્સિંગ કરીને ખાનગીકરણ કરવા સામે કર્મચારી સંગઠનો વિરોધ કરી રહ્યા છે અને તેની વચ્ચે મધ્ય ગુજરાત વીજ કંપનીને ખાનગીકરણનો પહેલો કડવો અનુભવ થઈ ગયો છે.જેની કર્મચારી આલમમાં ભારે ચર્ચા પણ ચાલી રહી છે.
કર્મચારી આલમમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે મધ્ય ગુજરાત વીજ કંપનીના કાર્યક્ષેત્ર હેઠળ આવતા ખેડા અને આણંદ, બોરસદ વિસ્તારમાં મેન્ટેનન્સની કામગીરી કરવા માટે એક એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે અને આ માટે એજન્સી થકી ૩૦ કર્મચારીઓને નોકરી પર રાખવામાં આવ્યા છે.
આ કર્મચારીઓની કામગીરી સોમવારથી જ શરુ થઈ છે અને તેના બે જ દિવસમાં ૮ જેટલા કર્મચારીઓએ નોકરી છોડી દીધી છે.કર્મચારીઓએ મેન્ટેન્સ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વાહનોના અને તેને ચલાવનારા ડ્રાઈવરોના ધાંધિયા હોવાની પણ ફરિયાદ કરી હોવાનુ કહેવાય છે.કર્મચારીઓએ નોકરી છોડતા પહેલા વોટસએપ ગુ્રપમાં એક મેસેજ મૂકયો હતો અને તે હવે વીજ કંપનીની કર્મચારી આલમમાં વાયરલ થઈ રહ્યો છે.હવે એજન્સી બીજા કર્મચારીઓની નિમણૂંક માટે દોડધામ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કોલ સેન્ટર અને ફોલ્ટ સેન્ટર મેનેજમેન્ટના આઉટ સોર્સિંગ માટેના ટેન્ડરો મંગાવવાની પ્રક્રિયા શરુ પણ કરી દેવામાં આવી છે ત્યારે કર્મચારી સંગઠનો ચેતવણી આપી રહ્યા છે કે, મેન્ટેનન્સની કામગીરીનુ આઉટસોર્સિંગ થશે તો ખાનગી એજન્સીઓ વીજ કંપનીના કર્મચારીઓ જેવી અસરકારક કામગીરી નહીં કરી શકે અને સરવાળે ગ્રાહકો હેરાન થશે.