વડોદરામાં થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર માટે મંગાવાયેલો બિશ્નોઇ ગેંગનો દારૂનો મોટો જથ્થો પકડાયો
વડોદરા,તા.7 ડિસેમ્બર 2023,ગુરૂવાર
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવી રહી હોવાથી દારૂની મોટેપાયે હેરાફેરી થવાની આશંકાએ વડોદરા પોલીસે નાકાબંધી કરી વાહનોનું ચેકિંગ હાથ ધર્યું છે. જે દરમિયાન હરણી પોલીસે દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડી બિશ્નોઇ ગેંગના બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે.
થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન દારૂનું ચલણ વધી જતું હોવાથી પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને નાકાબંધી કરી ચેકિંગ કરવા સૂચનાઓ આપી હતી. જે દરમિયાન હરણી પોલીસે ગોલ્ડન ચોકડી પાસે દારૂનો જથ્થો ભરેલો એક ટેમ્પો કબજે કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ અમદાવાદ તરફ જઈ રહેલા ટેમ્પાની તાડપત્રી ખસેડી ચેક કરતા પ્લાસ્ટિકની બરણીઓની આડમાં દારૂના તેમજ બિયરના બોક્સ મળી આવ્યા હતા. જેની ગણતરી કરતા 2892 નંગ દારૂની બોટલ તેમજ 1056 નંગ બિયરની બોટલો મળી કુલ 12 લાખ ઉપરાંતનો દારૂ મળી આવ્યો હતો.
ટેમ્પાના ડ્રાઇવર ભગીરથ હરિરામ ગોદારા (બિશ્નોઇ) (સુર્યા પેલેસ સોસાયટી, અંકલેશ્વર, મૂળ ગામ જાલોર રાજસ્થાન) ને ઝડપી પાડી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.જ્યારે શ્રીરામ બિશ્નોઇ સુર્યા બિશનોઈ, જાવેદ અને ટેમ્પાના માલિક લક્ષ્મણ દેસાઈ (બોજારડા ગામ,જંબુસર)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.