વડોદરા સેન્ટ્રલ જેલમાં બાયોમેટ્રિક સિસ્ટમથી કેદીઓની હાજરી પૂરાશે
વડોદરાઃ વડોદરાની જેલમાં પણ આગામી દિવસોમાં હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ થવા જઈ રહ્યો છે.રાજ્યની તમામ સેન્ટ્રલ જેલમાં કેદીઓની હાજરી પૂરવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવાની યોજનાના ભાગરુપે વડોદરા જેલમાં પણ તેનો પાયલોટ પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે.
મળતી વિગતો પ્રમાણે વડોદરા જેલમાં હાલમાં પાકા કામના અને કાચા કામના મળીને ૧૮૦૦ જેટલા કેદીઓ છે.હાલમાં તો તેેમની હાજરી પરંપરાગત રીતે રજિસ્ટરમાં નોંધ કરીને પૂરવામાં આવે છે.સાથે સાથે રોજ સાંજે સાડા પાંચ વાગ્યે બેરેકમાં કેદીઓની ગણતરી પણ કરવામાં આવે છે.
જોકે નજીકના ભવિષ્યમાં સેન્ટ્રલ જેલમાં કેદીઓ બાયોમેટ્રિક મશીન પર અંગૂઠો અથવા આંગળીઓ મુકીને હાજરી પૂરતા જોવા મળશે.વડોદરા સેન્ટ્રલ જેલમાં બાયોમેટ્રિક સિસ્ટમનો પાયલોટ પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે.જેલ સત્તાધીશોના કહેવા પ્રમાણે અત્યારે પાકા કામના ૧૦૦ જેટલા કેદીઓની ફિંગર પ્રિન્ટનો બાયોમેટ્રિક મશિનમાં રેકોર્ડ લેવામાં આવ્યો છે.આ કેદીઓની રોજ બાયોમેટ્રિક મશિનથી હાજરી પૂરાય છે.પાયલોટ પ્રોજેકટના કારણે આ સિસ્ટમમાં જો કોઈ ખામી હશે તો તે દૂર કરવા માટેની તક મળશે.એ પછી તમામ કેદીઓ માટે હાજરી પૂરવા માટે આ સિસ્ટમ લાગુ કરી દેવામાં આવશે.
આ સિસ્ટમના કારણે જેલ સ્ટાફની કામગીરી પણ સરળ બનશે.કારણકે હાલમાં તો સ્કૂલના વિદ્યાર્થીઓની જેમ કેદીઓની બેરેકમાં ગણતરી કરીને હાજરી પૂરવામાં ક્યારેક તો કલાકોનો સમય લાગી જાય છે.
રાજ્યની ચાર સેન્ટ્રલ જેલમાં ૧૬૬૦૦ જેટલા કેદીઓ છે
બાયોમેટ્રિક સિસ્ટમનો પ્રોજેકટ આખા રાજ્યમાં લાગુ થનાર છે.મળતી વિગતો પ્રમાણે રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા એમ ચાર જેલ છે.આ ચારે જેલમાં લગભગ ૧૦૦૦૦ જેટલા પાકા કામના કેદીઓ છે.જ્યારે ૨૦૨૨ના આંકડા પ્રમાણે પાકા અને કાચા કામના કેદીઓની ગણતરી કરવામાં આવે તો આંકડો ૧૬૬૦૦ પર પહોંચે છે.ચારે જેલમાં બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવા માટેની કવાત શરુ કરી દેવામાં આવી છે.બાયોમેટ્રિક સિસ્ટમના કારણે કેદીઓની હાજરીમાં પૂરવામાં ગરબડ થવાની આછી પાતળી સંભાવના પણ નાબૂદ થઈ જશે.
તાળો ના મળે ત્યાં સુધી જેલ સ્ટાફ ડયુટી છોડી શકતો નથી
જેલમાં કેદીઓની હાજરી પૂરવાનુ કામ કડાકૂટભર્યુ છે.કારણકે જેલમાં રોજ ડઝનબંધ નવા કેદીઓ આવતા હોય છે અને ડઝનબંધ કેદીઓ બહાર જતા હોય છે.આ સંજોગોમાં રોજે રોજ રજિસ્ટરમાં કેદીઓની સંખ્યાની ચોક્કસ નોંધ રાખવાની હોય છે.જો હાજરી પૂરતી વખતે એક કેદી પણ ઓછો કે વધારે જણાય તો જ્યાં સુધી તાળો ના મળે ત્યાં સુધી જે તે શિફ્ટમાં ફરજ બજાવતા જેલ કર્મચારીઓ પોતાની ડયુટી છોડી શકતા નથી.