અધ્યાપક આલમમાં અસંતોષ વચ્ચે 21 ઓક્ટોબરથી બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ થશે

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
અધ્યાપક આલમમાં અસંતોષ વચ્ચે 21 ઓક્ટોબરથી  બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ થશે 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ૨૧ ઓક્ટોબરથી બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.તમામ ફેકલ્ટીઓને પરિપત્ર પાઠવીને આ બાબતની જાણ કરી દેવામાં આવી છે.

યુનિવર્સિટી સત્તાધીશોએ અધ્યાપકો અને કર્મચારીઓ  માટે કેમ્પસમાં હાજર રહેવાના કલાકો પણ નક્કી કરી દીધા છે.પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે અઅયાપકોએ સોમવારથી શુક્રવાર સુધી સાત કલાક અને શનિવારે પાંચ કલાક હાજર રહેવુ પડશે.જ્યારે બિન શૈક્ષણિક કર્મચારીઓ પૈકી વર્ગ ૩ના કર્મચારીઓએ સોમવારથી શુક્રવાર સુધી ૮ કલાક કામ કરવાનુ રહેશે.ચોથા વર્ગના કર્મચારીઓએ ઓફિસ કામગીરીના એક કલાક પહેલા હાજર થવાનુ રહેશે અને અડધો કલાક પછી જવાનુ રહેશે.

યુનિવર્સિટી હેડ ઓફિસમાં નોન ટિચિંગ સ્ટાફ માટે ૧૦-૩૦ થી ૬-૧૦નો સમય રહેશે અને વર્ગ ૪ના કર્મચારીઓએ એક કલાક પહેલા હાજર થવુ પડશે તેમજ અડધો કલાક પછી જવાનુ રહેશે.

જોકે અધ્યાપકો માટે જે રીતે કામના કલાકો નક્કી થયા છે તેને લઈને અંદરખાને અસંતોષની લાગણી છે.ઘણા અધ્યાપકોનુ માનવુ છે કે , અધ્યાપકોને લેક્ચર લેવા સિવાય પણ બીજા કામ કરવાના હોય છે અને આ દરેક કામ માટે અલગ અલગ સમય હોય છે તો અધ્યાપકની ફરજના સાત કલાક કેવી રીતે નક્કી થશે? જોકે અસંતોષની લાગણી કોઈ વ્યક્ત કરવા તૈયાર નથી.

હાલમાં યુનિવર્સિટીના ૧૨૦ બિલ્ડિંગોમાં બાયોેમેટ્રિક મશિનો લગાડવાની કામગીરી ચાલી રહી છે અથવા પૂરી થઈ ગઈ છે.મોટાભાગના અધ્યાપકો અને  કર્મચારીઓના ફિંગરપ્રિન્ટનો ડેટાબેઝ પણ તૈયાર થઈ ચુકયો છે.



Google NewsGoogle News