યુનિ.માં બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવાની તૈયારીઓ,કર્મચારીઓ અને અધ્યાપકોની યાદી મંગાવાઈ

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
યુનિ.માં બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવાની તૈયારીઓ,કર્મચારીઓ અને અધ્યાપકોની યાદી મંગાવાઈ 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ અધ્યાપકો અને કર્મચારીઓની હાજરી પૂરવા માટે બાયોમેટ્રિક સિસ્ટમ લાગુ કરવાની તૈયારી કરી લીધી છે.મળતી વિગતો પ્રમાણે આગામી ૨૦ દિવસમાં યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓના તમામ બિલ્ડિંગમાં બાયોમેટ્રિક મશિન  ઈન્સ્ટોલ કરવામાં આવશે.

દરમિયાન યુનિવર્સિટી સત્તાધીશોએ દરેક ફેકલ્ટીના દરેક વિભાગ પાસેથી તેમાં કામ કરતા હંગામી અને કાયમી અધ્યાપકો તેમજો કર્મચારીઓની યાદી મંગાવી છે અને તમામ વિભાગને આ યાદી ૨૯ સપ્ટેમ્બર સુધીમાં અચૂક આપી દેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

યુનિવર્સિટી સૂત્રોનુ કહેવુ છે કે, બાયોમેટ્રિક સિસ્ટમ  માટે અધ્યાપકો અને કર્મચારીઓના નામ , નંબર સહિતનો રેકોર્ડ તથા તેમની ફિંગર પ્રિન્ટ સિસ્ટમમાં ફીડ કરવામાં આવશે.તમામ ફેકલ્ટીઓમાં એક સાથે જ બાયોમેટ્રિક મશિનો લાગશે.સત્તાધીશોએ આ માટે ૧૨૦ જેટલા બાયોમેટ્રિક મશિનોનો ઓર્ડર આપ્યો હતો અને આ મશિનો યુનિવર્સિટીને મળી પણ ગયા છે.

યુનિવર્સિટીમાં જ્યારથી વાઈસ ચાન્સેલર તરીકે પ્રો.શ્રીવાસ્તવે ચાર્જ લીધો તે પછી કોમર્સ ફેકલ્ટીના એમકોમમાં ચેકિંગ કર્યુ હતુ.આ ચેકિંગ દરમિયાન કેટલાક અધ્યાપકો હાજર નહીં હોવાનુ જણાયુ હતુ.વાઈસ ચાન્સેલરનો એવો આગ્રહ પણ છે કે, અધ્યાપકોએ અમુક ચોક્કસ કલાકો કેમ્પસમાં હાજર રહેવુ જ જોઈેએ.જોકે અધ્યાપકો અને કર્મચારીઓની બાયોમેટ્રિક સિસ્ટમ તો લાગુ થઈ જશે પણ કોમર્સ જેવી ફેકલ્ટીઓમાં  જ્યાં વિદ્યાર્થીઓની હાજરી નહીવત હોય છે ત્યાં ફરજિયાત હાજરી માટે બાયોમેટ્રિક જેવી સિસ્ટમ લગાડવા માટે હજી સુધી વિચારણા થઈ નથી.



Google NewsGoogle News