ભૂખી કાંસની અંદર સફાઈ નહીં થવા છતાં બિલમાં દર્શાવાઇ : સ્ટેટ વિજિલન્સ તપાસની માંગ
image : Filephoto
Vadodara News : પ્રિમોન્સૂન કામગીરી અંગે શહેરની વિવિધ કાંસની કામગીરી અંગે મુંબઈથી ભાડે મંગાવાયેલા ડ્રેઇન માસ્ટર ફ્લોટિંગ મશીનથી વોર્ડ નં.01માં આવેલી ભૂખી કાંસની સફાઈ નહીં કરાઈ હોવા છતાં પણ તંત્ર દ્વારા સફાઈ કરાઈ હોવાનું જણાવતા સ્થાનિક મહિલા કાઉન્સિલરે સ્ટેટ વિજિલન્સની તપાસની માંગ કરતો પત્ર મ્યુનિ. કમિ.ને લખ્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વડોદરામાં એક જ દિવસે 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પરિણામે શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. પ્રીમોનસુન કામગીરી વખતે વોર્ડ નં-1ના કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે ચોમાસાની ઋતુ અગાઉ પ્રિમોન્સૂન કામગીરીના નામે નાણા ફાળવવામાં આવ્યા હતા. પરંતુ શહેરની જુદી-જુદી કાસ સફાઈ માટે મુંબઈથી ડ્રેઇન માસ્ટર ફ્લોટિંગ મશીન ભાડેથી મંગાવવાની વાત આવી હતી. આ મશીનથી ભુખી કાંસ પણ સફાઈ માટે ઉપયોગમાં લેવા જણાવ્યું હતું. પરંતુ ભૂખી કાસ સાંકડી હોવાથી કાસમા મશીન ઉતારી શકાય તેમ નથી તેમ જણાવવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે આ મશીનનું ભાડું ચૂકવવાનો વારો આવ્યો ત્યારે તેમાં ભૂખી કાંસમાં પણ સફાઈ કામ કરાયું હોવાનું બિલમાં જણાવ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
આ અંગે મહિલા કાઉન્સિલરે જવાબદાર પાલિકા અધિકારીઓને પૂછપરછ કરી હતી ત્યારે ભૂખી કાંસમાં મશીન ઉતારીને કોઈ સફાઈ નહીં થયાનો ભાંડો ફૂટ્યો હતો. આ અંગે મહિલા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ સ્ટેટ વિજિલન્સની તપાસની માંગ અંગે મ્યુ. કમિશનરને પત્ર લખ્યો છે.