સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બિલ ગેટસે ખીચુ ગોટા, લાડુના ગુજરાતી ભોજનનો સ્વાદ માણ્યો
વડોદરાઃ માઈક્રોસોફટના સ્થાપક અને દુનિયાના સૌથી ધનિક લોકોમાં સ્થાન પામતા બિલ ગેટસે આજે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવાની સાથે સાથે સ્થાનિક મહિલાઓ સાથે સંવાદ પણ કર્યો હતો અને તેમના હાથે બનાવાયેલુ ભોજન પણ કર્યુ હતુ.
મળતી વિગતો પ્રમાણે લગભગ ૧૧ વાગ્યે વડોદરા પહોંચેલા બિલ ગેટસનુ વડોદરા એરપોર્ટ પર વડોદરા કલેકટર અને પોલીસ કમિશનર દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.એ પછી તેઓ હેલિકોપ્ટર મારફતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પહોંચ્યા હતા.જ્યાં તેમણે સરદાર પટેલની ભવ્ય પ્રતિમા નિહાળી હતી તેમજ તસવીર પણ ખેંચાવડાવી હતી.તેમની સાથે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ રહ્યા હતા.
ભારતની આઝાદી બાદ સરદાર પટેલે રજવાડાઓને ભારતમાં ભેળવવા માટે કેવી રીતે ભૂમિકા ભજવી હતી તેની જાણકારી બિલ ગેટસને આપવામાં આવી હતી.જે તેમણે રસપૂર્વક સાંભળી હતી.વ્યૂઈંગ ગેલેરીમાંથી તેમણે સરદાર સરોવર ડેમનો નજારો પણ જોયો હતો.સરદાર સરોવરના નિર્માણનો ઈતિહાસ પણ તેમણે જાણ્યો હતો તથા આ ડેમના કારણે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને મળતા પાણી તેમજ વીજળીની જાણકારી પણ તેમને પૂરી પાડવામાં આવી હતી.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત પોથીમાં તેમણે નોંધ કરતા લખ્યુ હતુ કે, અદભૂત ઈજનેરી કૌશલ્ય...ખૂબ જ સુંદર..સરદાર પટેલને શ્રેષ્ઠ અંજલિ...મહેમાનગતિ માટે આભાર...
બિલ ગેટસની આરોગ્યવનની મુલાકાત પણ ઘણી રસપ્રદ રહી હતી.અહીંયા તેમણે મહિલા સખી મંડળોની સભ્યો દ્વારા ચલાવવામાં આવતા સ્ટોલની વિઝિટ કરી હતી.મહિલાઓ દ્વારા બનાવતી વાંસની વિવિધ વસ્તુઓ, આયુર્વેદિક દવાઓ, વન ઉત્પાદનોની પણ જાણકારી લીધી હતી અને મહિલાઓ સાથે વાતચીત પણ કરી હતી.સાથે સાથે પિન્ક ઓટો સર્વિસ હેઠળ રીક્ષાઓ ચલાવતી મહિલાઓ સાથે પણ સંવાદ કર્યો હતો.
આરોગ્ય વન ખાતે સખી મંડળ દ્વારા એક કેફેટેરિયા પણ ચલાવવામાં આવે છે.અહીંયા મહિલાઓએ બનાવેલી ખીચુ, ગોટા, થેપલા અને લાડુ જેવી ગુજરાતી વાનગીઓનો તેમણે ભોજનમાં સ્વાદ માણ્યો હતો.આમાંની કેટલીક વાનગીઓ મિલેટમાંથી બની હતી.લાડુનો સ્વાદ તેમને વિશેષ પસંદ આવ્યો હતો.