બિલ કેનાલ રોડ ઓરો હાઇટ્સમાં નશેબાજ પિતા - પુત્રે સોસાયટીને માથે લીધી
પોલીસ પર પણ હુમલો કર્યો : સોસાયટીના રહીશો અને પોલીસને તલવાર બતાવી મારી નાંખવાની ધમકી આપી
વડોદરા,બિલ કેનાલ રોડ શગુન પાર્ટી પ્લોટની સામે ઓરો હાઇટ્સમાં પિતા - પુત્ર દારૃ પીને ધમાલ કરી હતી. નશેબાજ પિતા -પુત્રે આખી સોસાયટી માથે લેતા છેવટે પોલીસને બોલાવવામાં આવી હતી. પિતા - પુત્રે કાચના ટૂકડા છૂટા ફેંકી ગાડીઓને નુકસાન પહોંચાડયું હતું. તેમજ તલવાર બતાવી ધમકી આપી હતી. નશેબાજે પોલીસ પર પણ હુમલો કર્યો હતો.
માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઇકાલે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે, બિલ કેનાલ રોડ શગુન પાર્ટી પ્લોટની સામે ઓરો હાઇટ્સમાં પિતા - પુત્ર દારૃ પીને ધમાલ કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરી હતી. પોલીસ દારૃ પીને ધમાલ કરતા શખ્સના ઘરે પહોંચી હતી. પોલીસનો સ્ટાફ સીડી વડે મકાનની ગેલેરીમાં પહોંચ્યો હતો. પિતા - પુત્રે ફરીથી ગાળો બોલી અંદરથી કાચના છૂટા કાચના ટૂકડા પોલીસ તથા સોસાયટીના લોકો પર ફેંકવાનું શરૃ કર્યુ હતું. જે કાચના ટૂકડા સોસાયટીમાં પાર્ક કરેલી ગાડીઓ પર પડતા ગાડીઓને પણ નુકસાન થયું હતું.
ત્યારબાદ પિતા - પુત્ર હાથમાં તલવાર લઇને આવ્યા હતા અને ધમકી આપતા હતા કે, આજે તમને કોઇને છોડવાના નથી. પોલીસનો સ્ટાફ ગેલેરી વડે ઘરમાં જતા પોલીસને જોઇને તેઓ ફરીથી આવેશમાં આવી ગયા હતા. અને કહેતા હતા કે,કોને પૂછીને અમારા ઘરમાં આવ્યા ? આજે તમને કોઇને છોડવાના નથી. તમને જાનથી મારી નાંખીશું. આધેડ વયનો એક શખ્સ તલવાર લેવા માટે દોડતા પોલીસે તેને પકડી લીધો હતો. તેણે પોલીસ પર હુમલો કરી છાતીના ભાગે મુક્કો મારી દીધો હતો. પોલીસે પિતા - પુત્રને ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપી તુષાર નારાયણભાઇ સાવંત ( રહે.ઓરો હાઇટ્સ) પાસેથી તલવાર પણ કબજે લીધી છે.
પોલીસે દોઢ કલાક સુધી દરવાજો ખખડાવ્યો પણ ના ખોલ્યો
વડોદરા, પોલીસે સ્થળ પર પહોંચી પિતા - પુત્રના ઘરનો દરવાજો ખખડાવતા દોઢ કલાક સુધી કોઇએ ખોલ્યો નહતો. જેથી, વધુ પોલીસને મદદ માટે બોલાવવામાં આવી હતી. પોલીસે ફરીથી દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ, કોઇએ દરવાજો ખોલ્યો નહતો. તે દરમિયાન મકાનની ગેલેરીમાં પિતા - પુત્ર બહાર નીકળ્યા હતા. તેઓએ ગાળો બોલવાનું શરૃ કર્યુ હતું. પોલીસે પોતાની ઓળખ આપી સહકાર આપવા કહ્યું હતું. પરંતુ, તેઓ વધુ ઉગ્ર થઇને મકાનની અંદર જતા રહ્યા હતા.
નશેબાજ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનું કામ કરે છે
વડોદરા, પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, નશેબાજ પિતા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો બિઝનેશ કરે છે. તેઓ દુબઇના ટુરિસ્ટ વિઝાનું કામ કરે છે. જ્યારે તેમનો પુત્ર કોલેજમાં અભ્યાસ કરે છે. તેમની પત્નીનું અવસાન થયું છે. પિતા - પુત્ર છેલ્લા ચાર વર્ષથી અહીંયા રહે છે.
સ્થળ પરથી અન્ય બે નશેબાજો પણ ઝડપાયા
વડોદરા,માંજલપુર પોલીસ ઓરો હાઇટ્સમાં પહોચી ત્યારે સ્થળ પરથી અન્ય બે વ્યક્તિઓ પણ નશો કરેલી હાલતમાં મળી આવી હતી. જેથી, પોલીસે તેઓની સામે પણ પ્રોહિબીશનનો ગુનો દાખલ કર્યો છે. જેમાં અમર દિલીપભાઇ શિંદે ( રહે. કેશવ ગ્રીન ટાવર, અંબે સ્કૂલની સામે, માંજલપુર) તથા ધવલ હરિશભાઇ જામદાર ( રહે. ઓરો હાઇટ્સ, બિલ કેનાલ રોડ)નો સમાવેશ થાય છે.