મોડીરાતે હોટલમાં જમવા જતા યુવક પર બાઇક સવારનો હુમલો

ડંડા વડે માર મારી રોડની સાઇડ પર છોડીને આરોપીઓ ફરાર

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
મોડીરાતે હોટલમાં જમવા જતા યુવક પર બાઇક સવારનો હુમલો 1 - image

વડોદરા,મોડીરાતે  હાઇવે પર જમવા જતા યુવક પર ચાર બાઇક સવાર આરોપીઓએ  હુમલો કરી માર માર્યો હતો. જે અંગે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

ગોરવા મધુનગર નજીક જનકપુરી સોસાયટીમાં રહેતો જૈમિનકુમાર બાબુભાઇ પરમાર સમન્વય રિઅલ્ટીની ઓફિસમાં નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૨૧મી એ મારો જન્મ દિવસ હોવાથી હું રાતે સાડા દશ વાગ્યે અમારી સોસાયટીના ગરબા જોઇને જમવા માટે બાઇક લઇને ગોલ્ડન ચોકડી થઇ નેશનલ હાઇવે પર સુરત તરફ જતા તરસાલી બ્રિજ નજીક આવેલી લિજેન્ડ હોટલમાં જતો હતો. રાતે પોણા બાર વાગ્યે કપુરાઇ બ્રિજથી આગળ મારા શેઠનો કોલ આવતા હું સાઇડમાં વાત કરવા માટે ઉભો હતો. તે દરમિયાન ચાર અજાણ્યા લોકો બાઇક લઇને આવી મને ગાળો બોલવા લાગ્યા હતા. ચાર પૈકી એક વ્યક્તિએ મને મારવાનું શરૃ કર્યુ હતું. મને રોડની સાઇડમાં ઉતારી દઇ તેઓએ માર માર્યો હતો. એક આરોપીએ ડંડા વડે મને માથામાં તથા હાથ અને પગ પર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ તેઓ ભાગી ગયા હતા. હું રોડ ક્રોસ  કરીને સામેની સાઇડે ગયો હતો. એક અજાણ્યા બાઇક ચાલકે મને બેસાડી કપુરાઇ ચોકડી ઉતાર્યો હતો.


Google NewsGoogle News