ડભોઇમાં બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત

ઉમેટા પાસે રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા બાઇક ચાલક રસ્તા પર ફંગોળાયો

Updated: Jan 28th, 2024


Google NewsGoogle News
ડભોઇમાં બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બાઇક ચાલકનું મોત 1 - image

 વડોદરા,ડભોઇ સરિતા ફાટક બ્રિજ પર બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત થતા બાઇક સવારનું મોત નિપજ્યું હતું. જે અંગે ડભોઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હરણી એલ એન્ડ ટી કોલોનીમાં રહેતો નિલેશ ફતુભાઇ તડવી ( ઉ.વ.૩૫) ગઇકાલે સાસરીમાંથી ઘરે પરત બાઇક પર આવતો હતો. તે દરમિયાન સાડા સાત વાગ્યાના અરસામાં  ડભોઇ સરિતા ફાટક બ્રિજ પરથી પસાર થતા સમયે ટ્રક સાથે અકસ્માત થતા તેને માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી  હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ, સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. જે અંગે ડભોેઇ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવમાં આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના  અઠીપુરા ગામે રહેતો ૧૮  વર્ષનો દિનેશ ધનજીભાઇ ચૌહાણ આજે બાઇક લઇને  ઉમેટાથી ઘરે જતો હતો. ઉમેટા ચોકડી પાસે રસ્તા વચ્ચે નીલ ગાય આવી જતા તે બાઇક પરથી નીચે પટકાયો હતો. તેના માથામાં ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની હાલત સુધારા પર  હોવાનું જાણવા મળ્યું છે.


Google NewsGoogle News