કેલનપુર ગામ નજીક કારની અડફેટે બાઇક સવારનું મોત
સાઇટ પરથી નીકળી કોન્ટ્રાક્ટર કેલનપુર ગામ તરફ જતા હતા
વડોદરા,કેલનપુર ગામ નજીક બાઇક લઇને જતા કલર કામના કોન્ટ્રાક્ટરને પાછળથી આવતી કારના ચાલકે ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું.
મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના મેહાર બુઝુર્ગમાં રહેતો અનિલ મુરારીલાલ નરવરીયા કલર કામનો કોન્ટ્રાક્ટ રાખે છે. તેના પિતા મુરારીલાલ ( ઉં.વ.૫૫) પણ કલર કામનો કોન્ટ્રાક્ટ રાખે છે. તેઓ હાલમાં ગોત્રી અયોધ્યા નગરમાં રહે છે. આજે સવારે ૧૧ વાગ્યે મુરારીલાલ રામદાસભાઇ નરવરીયા કેલનપુર ગામની સીમમાં આવેલ અક્ષર આંગન સોસાયટીમાં કલર કામનો કોન્ટ્રાક્ટ રાખ્યો હોઇ ત્યાં ગયા હતા. બપોરે સાડા બાર વાગ્યે તેઓ અક્ષર આંગન સોસાયટીમાંથી નીકળી કેલનપુર ગામ તરફ બાઇક લઇને જતા હતા. તે દરમિયાન પાછળથી આવતી એક કારના ચાલકે બાઇકને ટક્કર મારતા મુરારીલાલને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે સ્થળ પર જ તેઓનું મોત થયું હતું. જે અંગે વરણામા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.